વાહનવેરા પેટે કોર્પોરેશનને રૂ.૧.૨૮ કરોડની આવક
પેટ્રોલ અને ડિઝલનાં ભાવ સતત વધી રહ્યા છે. માર્કેટમાં મંદી હોવાની ચર્ચા દરેક મોઢે ચાલી રહી છે છતાં શહેરમાં વાહનોનાં વેચાણમાં કયારેય ઘટાડો નોંધાતો નથી. એપ્રીલ માસનાં ૩૦ દિવસ દરમિયાન શહેરમાં ૩૯૯૩ જેટલા વાહનો વેચાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જેના થકી મહાપાલિકાને વાહન વેરા પેટે રૂ.૧.૨૮ કરોડ જેવી માતબર આવક થવા પામી છે.
મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૧ થી ૩૦ એપ્રીલ દરમિયાન શહેરમાં ડિઝલ સંચાલિત બે ટુ-વ્હીલર, પેટ્રોલ સંચાલિત ૩૦૬૮ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૧૪૭ ડિઝલ સંચાલિત ૨૯ સીએનજી સંચાલિત ૨૪ મોટરકાર, ડિઝલ સંચાલિત ૧૫૯ મોટરકાર, પેટ્રોલ સંચાલિત ૪૯૨ મોટરકાર, ડિઝલ સંચાલિત ૬૭ અન્ય ફોર વ્હીલર, ડિઝલ સંચાલિત ૩ સિકસ વ્હીલર અને અન્ય બે વાહન સહિત એક માસમાં ૩૯૯૩ વાહનોનું વેચાણ થયું છે જેના થકી કોર્પોરેશનને વાહનવેરા પેટે રૂ.૧.૨૮ કરોડની આવક થવા પામી છે.
પ્રોપટી કાર્ડ અને મિલકત નંબરના લીંકઅપ માટે ઘેર-ઘેર સર્વે હાથ ધરાશે
૭૬,૭૬૨ મિલકતોનું લીંકઅપ હજી બાકી શહેરીજનોને સહયોગ આપવા અપીલ
ગુજરાત સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ-૨૦૧૯ અંતર્ગત રાજકોટ મહાપાલિકાની હદમાં આવતી મિલકતમાં પ્રોપટી કાર્ડ સાથે મિલકત નંબર લીંકઅપ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત ૫૨,૮૩૮ મિલકતોનું લીંકઅપ થઈ ગયું છે. બાકી રહેતી ૭૬,૭૬૨ મિલકતોનાં લીંકઅપ માટે આગામી દિવસોમાં ઘેર-ઘેર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સીટી સર્વે કચેરી, મહાપાલિકાની ટેકસ બ્રાંચ અને ટીપી શાખા દ્વારા પ્રોપટી કાર્ડ સાથે મિલકત નંબરનાં લીંકઅપ કરવાની કામગીરી શ‚ કરવામાં આવી છે જે અંતર્ગત હાલ ૫૨,૮૩૮ મિલકતોનું લીંકઅપ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં કુલ ૧,૩૦,૬૦૦ પ્રોપટીકાર્ડ છે. જે પૈકી ૭૬,૭૬૨ પ્રોપટી કાર્ડનું મિલકત નંબર સાથે લીંકઅપ કરવાનું બાકી હોય.
આગામી દિવસોમાં આ કામગીરી માટે સીટી સર્વેનો સ્ટાફ, મહાપાલિકાનો સ્ટાફ ઘેર-ઘેર જઈ સર્વેની કામગીરી હાથ ધરશે અને બાકી રહેતાં પ્રોપટી કાર્ડને મિલકત નંબર સાથે લીંકઅપ કરી દેવાની કામગીરી હાથ ધરશે જેમાં શહેરીજનોને સહયોગ આપવા માટે આસીસ્ટન્ટ કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સીટી સર્વેનો સ્ટાફ કે મહાપાલિકાનો સ્ટાફ સીટી સર્વે નંબર, પ્રોપર્ટી નંબર કે મિલકત વેરાની પહોંચ અથવા વેરા બીલ, ફોન નંબર જેવી વિગતો માંગે તો તે આપવા માટે અપીલ કરવામાં આવી છે.