નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ વિવિધ રોગોના દર્દીઓને રાહત આપવા માટે ૩૯ જેટલી દવાઓના ભાવ ૩૦ ટકા સુધી ઘટાડી દીધા છે. જેમાં કેન્સર, મેલેરિયા, ટીબી અને હિપેટાઇટિસ બીમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. તેની સાથે કેન્સર અને ટીબી જેવા રોગની સારવાર પણ સસ્તી કરી દેવામાં આવી છે. આ અંગે એનપીપીએ એ એક જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં જણાવ્યું છે કે ડ્રગ્સ અમેડમેન્ટ ઓર્ડર ૨૦૧૩ હેઠળ વિવિધ ૩૯ જેટલી દવાઓના ભાવ ૧૦ થી ૩૦ ટકા સુધી ઘટાડી દેવામાં આવ્યા છે.
૧૮ દવાની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે જ્યારે ૨૧ દવાની મહત્તમ કિંમતને રિવાઇઝ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૮૨૧ જેટલી દવાના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ જાણકારી એનપીપીએ એ ટ્વીટ દ્વારા આપી છે. અને જો દવાની કંપનીઓ વેચાણ કિંમત અને નિયમોનું પાલન ન કરે તો તેને વસૂલ કરેલી વધારાની કિંમત વ્યાજ સહિત જમા કરાવવી પડશે. એક નિયમ અનુસાર કોઇપણ કંપની વર્ષમાં ૧૦ ટકા સુધી જ દવાઓની કિંમતમાં વધારો કરી શકે છે. અને તેમને આ સિવાય વધારે કિંમત વધારવા માટે મંજુરી લેવી પડતી હોય છે.
એનપીપીએ ડ્રગ્સ ઓર્ડર-૨૦૧૩ હેઠળ શેડ્યુલ-૧માં આવતી જરુરી દવાઓની કિંમત નક્કી કરે છે. અને જરુર મુજબ સરકાર દવાની કિંમતમાં ફેરફાર કરવાની ફરજ પડે છે. પરંતુ તે ચોક્કસ નિયમોને આધિન દવાની કિંમતમાં વધારો કે ઘટાડો કરી શકે છે.