પાંચ વર્ષમાં રાજકોટે વિકાસની અભૂતપૂર્વ હરણફાળ ભરી
મહાપાલિકાના અંતિમ જનરલ બોર્ડમાં પાંચ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ
રાજકોટ મહાપાલિકાની ચાલુ ટર્મની અંતિમ સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે પાંચ વર્ષના શાસનકાળનો હિસાબ રજુ કર્યો હતો. ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના પાંચ વર્ષમાં ફક્ત નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી કે રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓના કામો જ નહિ પરંતુ લાઈબ્રેરીઓ, ઓડીટોરીયમ, સ્વીમીંગપુલ, નવા અન્ડરબ્રીજ અને ઓવરબ્રીજ જેવા અનેક વિકાસકામો કરવામાં આવ્યા છે. રાજકોટની જનતાએ કરવેરા પેટે ચૂકવેલી પાઈ-પાઈનો સદઉપયોગ કર્યો છે એટલું જ નહિ વેરાપેટે ચૂકવેલી રકમ સવાઈ કરીને પ્રજાજનોને નવી સુવિધાઓની ભેટ આપી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજકોટના વિકાસની સતત ચિંતા કરી છે અને મોઢે માંગ્યુ આપ્યું છે અને વગર માંગ્યે પણ આપ્યું છે.
પાંચ વર્ષના શાસનકાળનો હિસાબ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે રજુ કરેલા રિપોર્ટ કાર્ડમાં જણાવ્યું હતું કે, રાજકોટનો પાણી પ્રશ્ન ભૂતકાળ બની ગયો છે. આજી, ન્યારી અને ભાદર ડેમ નર્મદા નીરથી છલકાવીને નવો ઇતિહાસ આલેખાયો છે. દેશના ૧૦૦ સ્માર્ટસિટીમાં રાજકોટ ૩૯માં ક્રમે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરમાં કોઠારીયા, વાવડી, માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મનહરપુરા-૧ અને મોટામવા સહિતના સાત – સાત ગામો ભળ્યા છે. છતા વિકાસમાં કોઈ ઓટ આવી નથી.
કોરોનાના સમયગાળામાં પણ ભાજપના શાસકોએ શહેરીજનોની સેવા કરવામાં અને જનઆરોગ્યની કાળજી લેવામાં કોઈ કસર છોડી નથી. સાત સાત મહિનાથી ચાલતી કોરોના વોર છતા વિકાસને ઝાંખપ લાગવા દીધી નથી. ૨૦ લાખ શહેરીજનોને કોરોનાથી બચાવવા મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને તંત્ર વાહકોએ દિવસ-રાત એક કર્યો છે. રાજકોટની રક્ષા કરવામાં મહાનગરપાલિકા તંત્ર ક્યારેક કંઇક ટૂંકું પડ્યું હશે, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વ્હારે આવીને રાજકોટવાસીઓની કોરોનાથી રક્ષા કરી છે. વિપક્ષ કોંગ્રેસના મિત્રોએ છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય એક પણ સામાન્ય સભામાં બૌધિક ચર્ચા કરી નથી ક્યારેય વિકાસકામોમાં સહકાર આપ્યો નથી તેમ છતા ભાજપના શાસકોએ કાયમ તેઓને લોકશાહી ઢબે બોલવાની તક આપી છે. અને પક્ષાપક્ષી જોયા વિના વિપક્ષના નગરસેવકોના વોર્ડમાં પણ ભેદભાવ વગર વિકાસકામોની વણઝાર સર્જી દીધી છે.
મહાનગરપાલિકાની મહતમ સેવાઓ જેવી કે બર્થ અને ડેથ સર્ટી, મિલકતવેરો સહિતના કરવેરા, આધાર કાર્ડ, સિટીબસ સેવાના પાસ, લગ્ન નોંધણી, સ્પોર્ટ્સ સંકુલ, કોમ્યુનીટી હોલ બુકિંગ, સ્વીમીંગપુલ અને લાઈબ્રેરીઓની મેમ્બરશીપ સહિતની તમામ સુવિધાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેથી અરજદારોને કચેરીએ આવ્યા વિના જ સેવાઓનો લાભ મળે છે. જે પણ નાગરીક સુવિધા ક્ષેત્રે સિધ્ધી છે. છેલ્લા પાંચ વર્ષમાં ૫,૦૧,૦૦૦ થી વધુ શહેરીજનોએ વિવિધ ઓનલાઈન સુવિધાઓનો લાભ લીધો છે. અને લગભગ ૧,૦૦,૦૦૦ લોકોએ ઓનલાઈન એપ્લીકેશન અથવા વેબસાઈટ મારફતે ફરિયાદો નોંધાવેલ છે.
રસ્તાકામ:- ૨૦૧૫-૧૬માં અંદાજે રૂ.૨૨.૫૦ કરોડના ખર્ચે પેવર એક્શન પ્લાન અંતર્ગત આશરે ૭૦ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૬-૧૭માં રૂ.૧૨.૭૦ કરોડ ખર્ચે પેવર એક્શન પ્લાન અંતર્ગત આશરે ૪૮ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૭-૧૮માં રૂ.૨૩.૪૦ કરોડના ખર્ચે પેવર એક્શન પ્લાન અંતર્ગત આશરે ૫૮.૬૩૯ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૮-૧૯માં રૂ.૨૮.૨૪ કરોડના ખર્ચે પેવર એક્શન પ્લાન અંતર્ગત આશરે ૭૦ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવેલ. સને ૨૦૧૯-૨૦માં રૂ.૨૫.૦૫ કરોડના ખર્ચે પેવર એક્શન પ્લાન અંતર્ગત આશરે ૬૨ કી.મી. થી વધુ લંબાઈના રસ્તા કરવામાં આવ્યા છે.
વોટર વર્કસ:- ૫ વર્ષમાં કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠા માટે અંદાજે રૂ.૧૨૭ કરોડના ખર્ચે બેડી પાણી પુરવઠા યોજના અંતર્ગત હળલાથી બેડી સુધી પાઈપ લાઈન નાખવાનું કામ, રૈયાધારથી બેડી, કાલાવડ રોડ પર કણકોટ પાટિયાથી ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, બેડીથી જયુબેલી સુધી એમ.એસ. ટ્રાન્સમિશન મેઈન લાઈન નાખવાનું કામ કરવામાં આવેલ છે.
ડ્રેનેજ કામો:- ડ્રેનેજ કામ અંતર્ગત છેલ્લા ૦૫ વર્ષમાં એકંદરે રૂ.૧૫૦ કરોડના ખર્ચે આ કામો કરવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં અને નવા ભળેલ વિસ્તારોમાં ડ્રેનેજની પાઈપ લાઈનો નાખવી, મેનહોલ ચેમ્બર તથા હાઉસ કનેક્શન ચેમ્બરનું કામ હાથ ધરવામાં આવેલ છે. જે માટે અંદાજે રૂ.૩૯૫ કરોડનું ખર્ચ કરવામાં આવેલ છે.
ઓવરબ્રીજ અન્ડરબ્રીજ:- છેલ્લા ૦૫ વર્ષ દરમ્યાન શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા આમ્રપાલી ફાટકના સ્થાને અન્ડરબ્રીજ બનાવવાનું કામ અંદાજે રૂ.૨૫.૫૩ કરોડના હાથ ધરવામાં આવેલ છે. રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલ કામ ટુંક સમયમાં પૂર્ણ થનાર છે. આ ઉપરાંત ગતવર્ષોમાં રૈયા ચોકડી તથા મવડી ચોકડીએ રૂ.૭૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવી લોકાર્પણ કરવામાં આવેલ છે. હાલમાં ટ્રાફિકથી ધમધમતા અને શહેરના હાર્દસમા પાંચ રસ્તાના સર્કલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયએન્ગ્યુંલરબ્રીજનું કામ ચાલુ છે. તેમજ લક્ષ્મીનગર નાલુ પહોળું કરી ત્યાં અન્ડરબ્રીજ બનાવવાનું કામ રૂ.૨૪.૯૧ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે. આમ એકંદરે રૂ.૨૦૦ કરોડથી વધુના ખર્ચે છેલ્લા ૫ વર્ષમાં આ કામો હાથ ધરવામાં આવ્યુ છે.
અર્બન ફોરેસ્ટ :- આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્ટ વિકસાવવાનું શરૂ થયું છે.
રોશની વિભાગ:- ૨૦૧૫-૧૬થી ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૬૩૧૭૮ જેટલી સ્ટ્રીટ લાઈટનું એલ.ઇ.ડી.માં રૂપાંતર કરવામાં આવેલ છે. જેના કારણે રૂ.૫.૬૮ કરોડ વીજબીલમાં રાહત થયેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના મોટાભાગના બિલ્ડીંગોમાં ૪૬૫૬ જેટલી લાઈટો એલ.ઇ.ડી.માં ક્ધવર્ટ કરતા વાર્ષિક રૂ.૧૯.૯૦ લાખની બચત થયેલ છે.
બગીચા શાખા:- ગુરુદેવ પાર્ક સોસાયટી, કોઠારીયા મેઈન રોડ ઉપર હાપલીયા પાર્ક સામેના ૦૨ પ્લોટ, મધુવન સોસાયટી, ગાંધીગ્રામ દીપક સોસાયટી, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ન્યારી ઈન્સ્પેકશન બંગલા પાસે, ન્યારી વાગુદળના રસ્તે, અંબિકા ટાઉનશીપ પાછળ તથા પોપટપરા ડો.હેડગેવાર આવાસ યોજના સામે કુલ ૧૧૬૪૨૪ ચો.મી. માં અંદાજે રૂ.૫ કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવવામાં આવેલ છે.
પ્રદ્યુમન પાર્ક ઝુ:- સને ૨૦૧૫-૧૬થી ૨૦૨૦-૨૧ દરમ્યાન પ્રદ્યુમન પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં રૂ.૫.૬૪ કરોડથી વધુનો ખર્ચ વિકાસ કામો હાથ ધરાયા છે.
ઓડીટોરીયમ કોમ્યુનિટી હોલ:- વોર્ડ નં.૦૯માં રૈયા રોડ રૂ.૨૮ કરોડના ખર્ચે શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ,વોર્ડ નં.૧૦માં એસ.એન.કે. સ્કુલ પાછળ અંદાજે રૂ.૧૧.૩૭ કરોડના ખર્ચે સેન્ટ્રલી એરકંડીશન અદ્યતન કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે.
પેવિંગ બ્લોક:-છેલ્લા અઢી વર્ષમાં રૂ.૨૨.૫૨ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.
ફાયર બ્રિગેડ:- ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓનો વ્યાપ વધારવા તેમજ વિસ્તૃતિકરણ કરવા માટે કુલ રૂ.૨૭.૫૦ કરોડનો ખર્ચ કરાયો છે અને રેલનગર અને રામાપીર ચોકડી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવાયા છે. વધતા જતા હાઈરાઈઝ બિલ્ડીંગ તથા મલ્ટીપ્લેક્સમાં આગ અકસ્માત સમયે ઉપયોગમાં લઇ શકાય તે માટે ૮૧ મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. તાજેતરમાં નિર્મલા કોન્વેન્ટ મેઈન રોડ ઉપર હયાત ફાયર સ્ટેશનના સ્થાને સાત માળનું ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ તથા ઓફિસર્સ ક્વાર્ટર્સ સહિતની સુવિધા યુક્ત આધુનિક બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ બિલ્ડીંગના બાંધકામ પાછળ રૂ.૮.૨૩ કરોડનો ખર્ચ થશે.આ ઊપરાંત ૨૪૮.૧૧ કરોડના ખર્ચે હાઇસ્કુલ તથા પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડીગનું નિર્માણ કરાયું છે.
આરોગ્ય સુવિધા:- કોર્પોરેશનના ૧૮ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા ૦૫ વર્ષમાં ૦૨ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે.
૧૯૯૩૩ આવાસોનું નિર્માણ:- ૫ વર્ષ દરમ્યાન બી.એસ.યુ.પી.-૩ આવાસ યોજના, સફાઈ કામદાર આવાસ યોજના-૧, ૨, રાજીવ આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના પેકેજ-૧ થી ૫, પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટઘર-૧ થી ૩ અંતર્ગત કુલ રૂ.૭૩૬.૨૦ કરોડના ખર્ચે ૧૦૨૫૯ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રૂ.૭૬.૧૪ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસોની કામગીરી પૂર્ણ કરેલ છે જેનું ટુંક સમયમાં લોકાર્પણ થનાર છે. અને રૂ.૮૫૩.૭૯ કરોડના ખર્ચે ૮૫૩૦ આવાસો બનાવવાની કામગીરી હાલ ગતિમાં છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ:- રૂ.૨૬.૦૯ કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું અને રાષ્ટ્રીય ધરોહર સામાન મહાત્મા ગાંધી મ્યુઝિયમ શરૂ કરવામાં આવેલ છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ:- શહેરને કચરાપેટી મુક્ત બનાવી આશરે ૩૪૦ ટીપ્પરવાન દ્વારા દરરોજ ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવામાં આવે છે. આ કચરો કે.એસ. ડીઝલસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટ સ્ટેશન તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે એકત્ર કરવામાં આવે છે. અને ત્યાંથી બંધબોડીના ૧૩ હુક લોડર દ્વારા નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશન ખાતે ઠાલવવામાં આવે છે.૫ વર્ષ દરમ્યાન રૂ.૧૩૮.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.
સ્માર્ટસિટી પ્રોજેક્ટ:- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ ખાતે સ્માર્ટસિટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત રૈયા વિસ્તારમાં આશરે ૩૦૦ એકરમાં આ પ્રોજેક્ટના કામો ચાલુ છે જેમાં અટલ સરોવર યોજના, રાજકોટ આઈ વે પ્રોજેક્ટ, રૈયાધારના ૫૦ એમ.એલ.ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૫૦ કિલોવોટ ગ્રીડ કનેક્ટેડ લેન્ડ માઉન્ટીંગ સોલાર પ્લાન્ટ, સ્માર્ટ એન્ડ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ૨૪ કલાક પાણી વિતરણ, ૨૪ કલાક પાવર સપ્લાય, સ્ટોમ વોટર ડ્રેઈન, બી.આર.ટી.એસ. કોરીડોર, ગ્રીનફિલ્ડ એરિયા ખાતે ન્યુ રેસ્કોર્ષમાં સાયકલ ટ્રેક, સંપૂર્ણ સુવિધા યુક્ત મોડેલ ફાયર સ્ટેશન વિગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઇલેક્ટ્રિક બસ સેવાની શરૂઆત:– બી.આર.ટી.એસ. બસ સેવા અંતર્ગત નવા બસ શેલ્ટર અને સિટીબસના સ્ટોપની આધુનીકરણની કામગીરી રૂ.૫.૯૫ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માટે ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ અને વહીકાલ પ્લાનીંગ શિડ્યુલ એન્ડ ડીસ્પેચના ડીજીટલ સોફ્ટવેર તૈયાર કરવાની કામગીરી મિશન સ્માર્ટસિટી પ્રોજેક્ટ સર્વોત્તમ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલ છે. આ માટે રૂ.૭.૨૭ કરોડનો ખર્ચ થયેલ છે. શહેરના ૮૦ ફૂટના રોડ પર અમુલ સર્કલ નજીક આવેલ આજી ડેપો ખાતે નવા ઈલેક્ટ્રીક બસ ડેપોના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંદાજે રૂ.૫.૫૫ કરોડના ખર્ચે પૂર્ણ થશે.
સ્પોર્ટ્સ સુવિધા:- વોર્ડ નં.૯માં મહિલાઓ માટે ખાસ પ્રકારનો સ્વીમીંગપુલ બનાવવામાં આવેલ છે.
૧૨ ટી.પી. સ્કીમોને મંજૂરી:- છેલ્લા ૦૫ વર્ષમાં રાજકોટની એક ડ્રાફ્ટ સ્કીમ, આઠ પ્રારંભિક સ્કીમ તથા ત્રણ આખરી ટી.પી. સ્કીમ મંજુર થયેલ છે. જેમાં ટી.પી. સ્કીમ નં.૩૨ રૈયા ડ્રાફ્ટ મંજુર થયેલ છે, ટી.પી. સ્કીમ નં.૨૭ મવડી, ૮ મવડી તથા ૧૫ વાવડી આખરી મંજુર થયેલ છે અને ટી.પી. સ્કીમ નં.૯, ૧૩ તથા ૧૯ રાજકોટ, ૧૬ તથા ૨૨ રૈયા, ૨૦ નાનામવા, ૨૬ મવડી તથા ૧૨ કોઠારીયા પ્રારંભિક મંજુર થયેલ છે. આ ટી.પી. સ્કીમો સંપૂર્ણપણે અમલી થવાથી આ વિસ્તારના વિકાસના દ્વારો ખુલશે. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશનમાં ભાજપના શાસકોએ કરેલા વિકાસકામોનો એક-એક પાઈનો હિસાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આપ્યો હતો.