આજે અને કાલે રજા બાદ સોમવારથી ફરી રીસિવિંગ સેન્ટર ધમધમશે
શુક્રવારથી રાજકોટ શહેર અને જિલ્લામાં RTE(રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ફોર્મ સ્વીકારવાનું શરૂ થયું હતું. જેમાં શહેરના ૨૦ રીસિવિંગ સેન્ટર પર પ્રથમ દિવસે ૩૮૭ ફોર્મ એપ્રુવ થયા હતા. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકના ૧૭ રીસિવિંગ સેન્ટર પર ૫૪૩ ફોર્મ આવ્યા હતા. રાજકોટમાં પ્રથમ વખત RTEપ્રવેશની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. RTEપ્રવેશના પ્રથમ દિવસે રાજકોટમાં ૪૨૬ ફોર્મમાંથી ૩૮૭ એપ્રુવ થયા હતા. આજે અને કાલે રજા બાદ સોમવારથી ફરી રીસિવિંગ સેન્ટર ધમધમશે.
આ વર્ષે રાજકોટમાં RTEપ્રવેશ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. RTEની સાઈટ પણ ડેવલોપ કરાઈ હોવાથી સર્વર ડાઉનની સમસ્યા નડી ન હતી. શહેરના ૨૦ રીસિવિંગ સેન્ટર પર પ્રથમ દિવસે સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન ૪૨૬ વાલી RTEનું ફોર્મ જમા કરાવવા આવ્યા હતા. જોકે તેમાંથી ૪૧૮ ફોર્મ યોગ્ય હતા. ફોર્મ ચકાસયા બાદ ૩૯૩ ના ફોર્મમાં સહી કરવામાં આવી અને ૩૮૭ ફોર્મ એપ્રુવ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૧ ફોર્મ પેન્ડિંગ રહી ગયા હતા. સ્કૂલ નં.૬૪ઇમાં ૪૩ માંથી ૩૫ ફોર્મ યોગ્ય હતા. જોકે તેમાંથી ૧૦ ફોર્મ જ એપ્રુવ થયા હતા. ત્યાં જવાબદાર અધિકારીઓએ સાંજ સુધી માત્ર ફોર્મ જ સ્વીકાર્યા હતા.
કમ્પ્યુટર પર ઓનલાઈન ફોર્મ એપ્રુવ કરવાનું પેન્ડિંગ રાખતા ૨૫ ફોર્મ એપ્રુવ કરવાના બાકી રહ્યા હતા. જ્યારે સ્કૂલ નં. ૫૧ માં ૨૯ ફોર્મ આવ્યા હતા, જેમાંથી ૨૩ ફોર્મ જ એપ્રુવ થઈ શક્યા હતા. બી.પી.એલ. કાર્ડને હિસાબે ૬ ફોર્મ પેન્ડિંગ રાખ્યા હતા. રીસિવિંગ સેન્ટર પર બેસતા સ્કૂલના આચાર્ય સહિતનાને ટ્રેનીંગમાં કહેવાયું હતું કે RTEના ફોર્મ સાથે સુવર્ણ જયંતિનું બી.પી.એલ.નું કાર્ડ કોઈ લાવે તો માન્ય ન ગણવું. જેમાં મ્યુન્સિપલ કમિશ્નર કે ચીફ ઓફિસરની સાઈન હોય તો જ મંજૂર રાખવું. શહેરની ૪૮૪ ખાનગી શાળામાં RTEહેઠળની ૫૫૯૬ જગ્યા પર પ્રવેશ માટે પ્રથમ દિવસે જ વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો.