મચ્છરની ઉત્પતિ સબબ 257 આસામીઓને નોટિસ ફટકારતું કોર્પોરેશન
ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડવાનું શરૂ થતાની સાથે રોગચાળો થોડો કંટ્રોલમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 383 કેસ નોંધાયા છે. મચ્છરની ઉત્પતિ સબબ 257 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ગત સપ્તાહે મેલેરિયા, ડેન્ગ્યૂ કે ચીકન ગુનિયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગત સપ્તાહે શરદી-ઉધરસના નવા 250 કેસ નોંધાયા છે. ચાલુ સાલ આજસુધીમાં શરદી-ઉધરસના 5,597 નોંધાયા છે. જ્યારે એક સપ્તાહમાં સામાન્ય તાવના 39 કેસ મળી આવ્યા છે.
આ વર્ષે તાવના 639 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલ્ટીના 94 નવા કેસ ગત સપ્તાહે નોંધાયા છે. આ વર્ષે ઝાડા-ઉલ્ટીના 1280 કેસો નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે એક સપ્તાહમાં 8,385 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 283 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. અલગ-અલગ વિસ્તારોમાં બિન રહેણાંક હોય તેવી 217 મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત 17 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 244 રહેણાંક વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા નોટિસ આપવામાં આવી છે.