અબતક, નવી દિલ્હી

મુંબઈની ગલીથી લઈને દિલ્હી સુધી, રાજકીય વર્તુળોમાં એ પ્રશ્ન ચર્ચામાં છે કે શું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનું વલણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ’કોંગ્રેસ-મુક્ત ભારત’ના એજન્ડાનું આગામી સંસ્કરણ છે.  ચર્ચા એ પણ છે કે શું દિવસેને દિવસે નબળી પડી રહેલી કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટીઓની સત્તા નીચે દટાઈ જશે? આ દરમિયાન કોંગ્રેસ પણ ખુલ્લીને સામે આવ્યું છે. તેમને મમતા ઉપર આંગળી ચીંધી છે. અને એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું મમતા ફાંસીવાદી વિચારધારા ધરાવે છે?

કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ત્રણ-ચાર વખત ભાજપ સાથે હાથ મિલાવનાર મમતા હવે તેના સિદ્ધાંતો લઈને પ્રાદેશિક પાર્ટીઓને મળી રહી છે.  હવે તૃણમૂલ કોંગ્રેસ જેવી પાર્ટીઓએ નક્કી કરવાનું છે કે તેમની પ્રાથમિકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવાની છે કે કોંગ્રેસ સામે?  કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મમતા બેનર્જી પર “વડાપ્રધાન મોદી જેવા ધારાસભ્યો અને પક્ષોને તોડફોડ કરવાનો” આરોપ મૂક્યો અને પ્રશ્ન કર્યો કે શું તેઓ ફાસીવાદી વિચારધારાના માર્ગે ચાલી રહ્યા છે?

મમતાનું મમત્વ કાદવમાં કમળ ખીલવી રહ્યું છે?

બુધવારે, મુંબઈમાં એક કાર્યક્રમમાં, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું હતું કે રાજકારણ માટે સતત પ્રયત્નો જરૂરી છે.  રાહુલ ગાંધી પર આડકતરી રીતે  તેમણે કહ્યું હતું કે, “તમે મોટાભાગે વિદેશમાં રહી શકતા નથી.” મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “હવે યુપીએ નથી.”

સુરજેવાલાએ પત્રકારોને કહ્યું કે જ્યારે મમતા યુપીએમાં નથી. તો પછી તેઓ આ ગઠબંધનની વાત શા માટે કરી રહી છે?  તેમણે કહ્યું, અમે મમતાજીનું સન્માન કરીએ છીએ.  પરંતુ આ એ જ મમતાજી છે જે 1999માં ભાજપ અને એનડીએ સાથે ગયા હતા અને વાજપેયી સરકારમાં રેલ્વે મંત્રી બન્યા હતા.  2001 માં, તેણીએ કહ્યું કે તેણીને ભાજપ પસંદ નથી અને પછી કોંગ્રેસ સાથે આવી અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડ્યા.  2003 માં, કોંગ્રેસ ફરીથી નાપસંદ થઈ ગઈ અને તેણીએ ભાજપનો સાથ આપ્યો અને ભાજપના નેતૃત્વવાળી સરકારમાં ખાણકામ મંત્રી બન્યા.  ત્યારે મમતાએ કહ્યું કે ભાજપ અમારો સ્વાભાવિક ભાગીદાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.