યમનના વાવાઝોડામાં ફસાયેલા સલાયાના ૩૮ ખલાસીઓને બચાવીને વતનમાં લઇ જવા તજવીજ હાથ ધરાઇ હતી.
યમન નજીક ‘મેકુનુ’ વાવાઝોડું ત્રાટકયા બાદ સૌરાષ્ટ્ર-કચ્છના ખલાસીઓ શીપ સાથે ફસાયા હતા. તેઓને ભારતીય નેવી દ્વારા બચાવી લઇને વતન લાવવા તજવીજ હાથ ધરાઇ છે.
યમન નજીક આવેલા સિકોતેર બંદર ઉપર ઇન્ડિયન નેવીનું પી.૫૭ શિપ પહોંચ્યુ હતું અને જામનગરના સલાયાના ૩૮ ખલાસીઓને બચાવી લેવાયા હતા. દસ દિવસ પહેલા અખાતી દેશના દરિયામાં ત્રાટકેલા અને યમનના અખાતમાં કાળોકેર વરસાવનાર વાવાઝોડામાં સૌરાષ્ટ્ર-કચ્છના ખલાસીઓ અટવાયા હતા.
કચ્છી વહાણવટી એસો.ના પૂર્વ પ્રમુખ કાસમ જાફરાબાદીએ આ વાવાઝોડા સંદર્ભે આપેલી માહિતી અનુસાર યમનના દરિયામાં આઠ જેટલા વહાણોએ જળ સમાધિ લીધી હતી. જે સૌરાષ્ટ્ર-કચ્છના હતા. આ વાવાઝોડામાં અટવાયેલા ખલાસીઓ માટે કાસમ જાફરાબાદીએ ઇમેઇલ મારફત વિદેશ મંત્રાલયને રજૂઆત કરતાં ભારતીય નેવીએ યમનના સિકોતર ટાપુ ઉપર આશ્રય લેનાર ૩૭ ખલાસીઓને બચાવીને વતનમાં લઇ આવવાની કામગીરી હાથ ધરી છે.
જે અનુસાર આ ખલાસીઓ ચારેક દિવસમાં પોરબંદર ઉતરશે. આ ૩૮ ખલાસીઓ વેરાવળ, પોરબંદર, જામસલાયા અને માંડવીના છે. જો કે સાતથી આઠ ખલાસીઓએ તોફાનના જીવ ગુમાવ્યા છે. કચ્છી વહાણવટી એસોસીએશને વિદેશ મંત્રી સુષ્માસ્વરાજનો આભાર માન્યો છે.