દૈનિક વેતન મેળવનારા કામદારોના આત્મહત્યાના કેસો આઠ વર્ષમાં બમણા થયા, તામિલનાડુ દેશમાં પ્રથમ નંબરે
વર્ષ 2021માં જેટલા આપઘાતના કેસો નોંધાયા છે. તેમાં 38 ટકા લોકો રોજમદારો અને નાના વેપારીઓ છે. સામાજિક સલામતીના ભયે તેઓના આપઘાતનું પ્રમાણ ચિંતા જનક સપાટીએ પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલ અનુસાર, 2021 માં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા લગભગ 38% લોકો રોજમદારો અને નાના વેપારીઓ હતા. 2018થી તેઓના આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું પ્રમાણ ક્રમશ: 32 ટકા, 35 ટકા, 36 ટકા અને 38 ટકાએ પહોંચ્યુ છે. વર્ષ 2018માં તેઓની સંખ્યા 43,276 હતી જે વર્ષ 2021માં વધીને 62,215એ પહોંચી છે.
છેલ્લા બે વર્ષમાં, આત્મહત્યાનો ભોગ બનેલા ચારમાંથી એક વ્યક્તિ દૈનિક વેતન મેળવનાર હતો. ડેટા દર્શાવે છે કે દૈનિક વેતન કામદારો દ્વારા આત્મહત્યા સૌથી વધુ તામિલનાડુમાં હતી અને અન્ય ત્રણ રાજ્યો કે જેમાં આ પ્રકારની જાનહાનિની વધુ સંખ્યા નોંધાઈ હતી તે મહારાષ્ટ્ર, એમપી અને તેલંગાણા હતા.
જો 2014 અને 2021 ની વચ્ચે દૈનિક વેતન કામદારોના આત્મહત્યાના આંકડાની સરખામણી કરવામાં આવે તો આ આઠ વર્ષમાં આવા મૃત્યુની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા વિક્રેતાઓની સંખ્યામાં લગભગ 40% નો વધારો થયો છે, જે 2018 માં 3,230 થી વધીને 4,532 થઈ ગયો છે. તેવી જ રીતે, આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા વેપારીઓની સંખ્યા 2018 માં 2,615 થી વધીને 2021 માં 3,699 થઈ ગઈ છે.
કસ્ટડીયલ ડેથમાં ગુજરાત મોખરે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો 2021 દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના મામલામાં ગુજરાત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતાં આગળ છે.રિપોર્ટ અનુસાર, 2021માં દેશભરમાં કસ્ટોડિયલ ડેથના કુલ 88 કેસ નોંધાયા હતા. અગાઉ 2020માં દેશભરમાં આવા 76 કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક વર્ષમાં કસ્ટોડિયલ ડેથમાં 53 ટકાનો વધારો થયો છે. 2020 માં, રાજ્યમાં આવા 15 કેસ નોંધાયા હતા, જે 2021 માં વધીને 23 થયા હતા. આ પછી મહારાષ્ટ્રનું નામ બીજા નંબર પર છે. અહીં 2021માં પોલીસ કસ્ટડીમાં 21 લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 23 કસ્ટોડિયલ ડેથમાંથી 22 એવા છે કે જેમાં પીડિતો રિમાન્ડ પર ન હોય ત્યારે મૃત્યુ પામ્યા હતા. પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત થયું હતું. નવ લોકોના મોતનું કારણ
આત્મહત્યા તરીકે આપવામાં આવ્યું હતું. અન્ય નવનું બિમારીને કારણે મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. બે કેસમાં, પોલીસ પર મૃતકો પર હુમલો કરીને ઘાયલ કરવાનો આરોપ હતો અને કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે એકનું કથિત રીતે મોત થયું હતું.
25 વર્ષમાં 2 લાખ છાત્રોએ કર્યા આપઘાત!!!
ભારતમાં 2021માં 13,000 થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હતા. મતલબ દરરોજ 35 છાત્રોએ પોતાની જિંદગી ટૂંકાવી હતી. વર્ષ 2020 માં છાત્રોના આપઘાતની સંખ્યા 12,526 હતી. વર્ષ 2021માં તેમાં 4.5% નો વધારો છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ દર્શાવે છે કે વર્ષ 1995થી 2021 સુધીમાં લગભગ 2 લાખ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓના આપઘાત પાછળ અભ્યાસનું દબાણ તથા પારિવારિક વાતાવરણ જવાબદાર છે. મોટાભાગના કેસોમાં આ બન્ને કારણે જ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે.