બે દિવસ સઘન તપાસ બાદ આજે સવારે કાર્યવાહી થઇ પુરી:જામનગરના કરદાતા પાસેથી બાકી રૂ.૧ લાખનો વેરો વસુલી ફલેટની હરરાજી અટકાવી
રાજકોટ આયકર વિભાગે નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં કોન્ટ્રાકટરોને ત્યાં પ્રથમ દરોડો પાડી કુલ ૩૮ કરોડના બિનહિસાબી વ્યવહારો ખોલ્યા છે. ઇન્કમટેકસ વિભાગે બે દિવસ પહેલા લેબર કોન્ટ્રાકટરોને ત્યાં સર્વે હાથ ધરી સઘન તપાસ શરુ કરી હતી જે કામગીરી આજે વહેલી સવારે પુરી થતાં કુલ ૩૮ કરોડના બોગસ હિસાબો બહાર આવ્યા છે.
રાજકોટના ભાનુ કોન્કીટ અને એકયુરેટ બિલ્ડકોનના કોન્ટ્રાકટરો આશિષ ટાંક પાસેથી રૂ ૧ર કરોડ તેમજ અશ્વિન રંગાણી પાસેથી રૂ ર૬ કરોડ ના બેનામી હિસાબો સાથે બોગસ દસ્તાવેજો અને સાહિત્ય કબ્જે કર્યુ છે. રાજકોટ આઇ.ટી. વીંગના નવા નાણાકીય વર્ષના મેગા સર્ચ ઓપરેશનથી કરચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ઉપરાંત આજે ઇન્કમટેકસ વિભાગે જામનગરના કરદાતા પાસેથી બાકી રૂ ૪૧ લાખનો આવકવેરો વસુલી ફલેટની થવા જઇ રહેલી હરરાજી અટકાવી હતી. નવા વર્ષમાં કરચોરી પર તૂટી પડવાની નેમ સાથે આવકવેરા વિભાગ દ્વારા આજે જામનગરના કરદાતાની બાકી વેરાની રકમ વસુલવા ફલેટની હરરાજી થનાર હતી જો કે કરદાતાઓ તાત્કાલીક જ અંદાજે રૂ ૪૧ લાખનો વેરો ભરી દેતા તેમના યાજ્ઞીક રોડ પરના ફલેટની હરરાજી અટકાવી દેવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.