પિન આધારિત ફરિયાદ નિવારણ સેવામાં
અબતક-રાજકોટ
શહેરીજનો કોર્પોરેશનના જુદા જુદા વિભાગો લગત ફરિયાદો સહેલાઈથી નોંધાવી શકે તથા તેનો ઉકેલ યોગ્ય રીતે આવી શકે તેની લોકોને અને તંત્રને સરળતાથી જાણકારી મળી શકે તે માટે મહાપાલિકા દ્વારા પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નં.1800-123-1973ની શરૂઆત કરવામાં આવેલી છે.
આ અંગે લોકોનો પ્રતિભાવ તથા મહાપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડ્રેનેજ, ફૂડ, રોશની, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર વર્કસ તથા અન્ય શાખાઓની કુલ મળીને 37,709 જેટલી ફરિયાદો આવેલ છે. જેમાં ડ્રેનેજ સબંધિત 21,521, રોશની સબંધિત 6,947, સફાઈ સંબધિત 5,782, પાણી પુરવઠા સબંધિત 3,408 મુખ્ય ફરિયાદો આવેલ છે. આ ફરિયાદો પૈકી 36,749 જેટલી એટલે કે, 97.45% ફરિયાદોનો નિકાલ થયેલ છે. નિકાલ થયેલ ફરિયાદો પૈકી 25,150 એટલે કે, અંદાજે 68.44% થી વધુ ફરિયાદો ઓ.ટી.પી. સહીત ઉકેલાઈ છે.
જયારે આશરે 5,220 ફરિયાદો ઓ.ટી.પી. વગર ઉકેલાઈ છે. જેમાં ફરિયાદીનો સંપર્ક ન થઇ શક્યો હોય પરંતુ ઉપલી અધિકારીએ આ અંગે ખરાઈ કરતા ફરિયાદ મુજબ કામ થઇ ગયેલ હોય ત્યારે તે સોલ્વ થઇ ગયેલ હોવાનું નોંધવામાં આવે છે. આ ઉપરાંત આશરે 6,379 ફરિયાદો એવી છે કે જેને ઉકેલવા માટે સરકારના ટેલીકોમ, વિદ્યુત બોર્ડ, રેલ્વે જેવા અન્ય વિભાગોનો સહયોગ લેવો જણાયેલ હોય ત્યારે તે વિભાગનો સંપર્ક કરી, ફરિયાદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરીજનોની ફરિયાદના ઉકેલની કામગીરી સંતોષજનક છે કે કેમ તે વિગતો મેળવવા માટે તા.18/08/2021થી સ્ટાર રેટિંગ આધારિત સીટીઝન ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરિયાદીને 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. (1) આપની ફરિયાદ અન્વયે કરવામાં આવેલ કામની ગુણવતા જણાવો, (2) ફરિયાદ સમયે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફના વર્તન વિષે જણાવો, (3) ફરિયાદ નિકાલ માટે લાગેલ સમય અંગે આપનો શુ અભિપ્રાય છે?
શહેરીજન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ પરત્વે ખુબ જ સારો અભિપ્રાય આપવામાં આવે તો 5 સ્ટાર રેટિંગ આપવામાં આવે છે તથા ખુબ જ નબળો અભિપ્રાય આપવામાં આવે તો 1 સ્ટાર રેટિંગ આપવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નોતરી અંતર્ગત અંદાજે 12,180 શહેરીજનોનો ફીડબેક મેળવવામાં આવેલ છે. જે ફીડબેક પૈકી 4,848(39.80%) ફીડબેકને 5 સ્ટાર રેટિંગ, 2,304(18.91%) ફીડબેકને 4 સ્ટાર રેટિંગ, 1,024(8.04%) ફીડબેકને 3 સ્ટાર રેટિંગ, 912 ફીડબેકને 2 સ્ટાર રેટિંગ, 478 ફીડબેકને 1 સ્ટાર રેટિંગ આપવામાં આવેલ છે.
ઉપરોક્ત વિગતે, કુલ 12,180 ફીડબેક પૈકી 8,176 ફીડબેક 3 સ્ટાર કે તેથી ઉંચા રેટિંગ ધરાવે છે જે જોતા, 67.11% ફિડબેકમાં શહેરીજનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓથી સંતુષ્ટ હોવાનું માલુમ પડેલ છે.
36749 અર્થાત 97.45 ટકા ફરિયાદો ઉકેલાય ગયાનો સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલનો દાવો