૧૨ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ અંતે ઢોકળવા ગામ નજીક જમીન મળતા માજી સૈનિકો ખુશખુશાલ
સરકારના મહેસુલ વિભાગના પરીપત્ર મુજબ જે લાભાર્થીઓને સાંથણીથી જમીન ફાળવવા અંગેના કાયદેસર હુકમ કરવામાં આવેલ હોય અને સ્થળ પર તેનો પ્રત્યક્ષ કબજો સુપ્રત કરવામાં આવેલ ન હોય તેઓને ૬ માસ સુધીમાં પ્રત્યક્ષ કબજો સુપ્રત કરી કાર્યવાહી પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ છે. ઉપરોકત વિગત સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે સુરેન્દ્રનગર કલેકટર તરફથી અપાયેલ સુચનાઓ અનુસાર ચોટીલા તાલુકાના પરબડી, કંથારીયા, મોણપર, આંકડીયા, આણંદપુર (ભા.) વિગેરે ગામોએ સને: ૨૦૦૬ના વર્ષમાં તત્કાલીન નાયબ કલેકટર, લીંબડી દ્વારા સરકારી પડતર જમીનો ખેતીના હેતુ માટે નવી અને અવિભાજય શરતે ફાળવવાના હુકમો કરવામાં આવેલ હતા.
પરંતુ જે તે લાભાર્થીઓને જે તે સમયે કબજાઓ સુપ્રત કરવામાં આવેલ નહીં હોવાથી ઉકત તમામ ગામોના મળીને કુલ ૩૮૦ લાભાર્થીઓને કબજાઓ સુપ્રત કરવાના બાકીમાં હોવાથી ઉકત બાકી રહેલ લાભાર્થીઓ પૈકી મોજે-પરબડી ગામે ફાળવેલ જમીનના લાભાર્થીતથા મોજે.કંથારીયા ગામે ફાળવેલ જમીનના જે લાભાર્થીઓને જમીનનો કબજો સુપ્રત કરાયેલ નથી તેવા લાભાર્થીઓને જે તે ગામોએ જમીન ઉપલબ્ધ નહીં હોવાથી તે બંને ગામોની નજીકમાં આવેલ ઢોકળવા ગામે સરકરી પડતર સર્વેનં.૫૮૧ તથા સર્વે નં.૧૦૫૩ વાળી જમીનમાં કુલ ૩૭ માજી સૈનિકોને ખેતીના હેતુ માટે જમીનના કબજાઓ સુપ્રત કરવાની કામગીરી કલેકટર સુરેન્દ્રનગરની હાજરીમાં પ્રાંત અધિકારી, ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉપરોકત ગામોના બાકી રહેલ લાભાર્થીઓને કબજાઓ સુપ્રત કરવાના બાકીમાં છે તેવા લાભાર્થીઓને હવે પછી ક્રમશ: કબજાઓ સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.