મેનેજમેન્ટ ક્વોટાની કાર્યવાહી ચાલુ રહેશે: આવતી કાલથી ખાલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવાશે
પેરા મેડિકલમાં સરકારી કવોટાની બેઠકો માટે આવતીકાલે તમામ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવાશે. પરંતુ સ્વનિર્ભર કોલેજોની મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટેની પ્રક્રિયા જે તે કોલેજ દ્વારા કરવામાં આવશે. જેમાં કાઉન્સિલ દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીની મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે તા.૨૨મી સુધીની સમયમર્યાદા આપવામા આવી છે. આજ રીતે નર્સિગની મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે તા.૧૫મી સુધીની મુદત આપવામાં આવી છે. આ દરમિયાન દરેક સ્વનિર્ભર કોલેજ સંચાલકોએ પોતાની બેઠકો ભરી દેવાની રહેશે. બુધવારે બપોર પછી ખાલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવાશે.
પેરા મેડિકલમાં પ્રવેશ માટે હાલમાં છેલ્લા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે. વિદ્યાર્થીઓે આપેલી ચોઇસ પ્રમાણે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. જે તે કોલેજમાં ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવા માટે આજે એટલે તે તા.૭મીએ બપોર સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી. પરંતુ પ્રવેશ સમિતિ દ્વારા આવતીકાલ બપોર સુધી આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓ હવે આવતીકાલે બપોર સુધીમાં જે તે કોલેજમાં જઇને રિપોર્ટિગ કરાવી શકશે. આવતીકાલે સત્તાવાર રીતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયાની જાહેરાત કરી દેવામાં આવશે.
પેરા મેડિકલના છેલ્લા રાઉન્ડમાં અંદાજે ૪ હજાર જેટલી બેઠકો માટે ૮ હજાર વિદ્યાર્થીઓને ચોઇસ આપવાનીસ સૂચના આપવામાં આવી હતી. જેમાં અંદાજે ૧ હજારથી વધારે બેઠકો પર કોઇ વિદ્યાર્થીઓએ ચોઇસ આપી નહોતી. એટલે કે બેઠકોની ફાળવણી થાય તે પહેલા જ એક હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. હવે વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસ પ્રમાણે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. મંગળવારે બપોર સુધીમાં વિદ્યાર્થીઓએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવવાનું હતુ. સૂત્રો કહે છે આજે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા પછી અંદાજે ૩૬૮૯ બેઠકો ખાલી પડી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતના આધારે રિપોર્ટિંગ કરવા માટે એક દિવસ લંબાવવામાં આવ્યો છે. બુધવારે બપોરે ખાલી બેઠકોની વિગતો જાહેર કરીને જે બેઠકો ખાલી પડી છે તે ભરવા માટે કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવશે. અગાઉ કોલેજોએ પાસે ખાલી બેઠકો ભરવા માટે એક જ દિવસ વધે તેમ હતુ. પરંતુ કાઉન્સિલ દ્વારા મુદત વધારવામાં આવતાં હવે સંચાલકો તા.૨૨મી સુધીમાં આ બેઠકો ભરી શકશે.