સંસદના ચોમાસુ સત્રની શરૂઆત ગુરૂવારના ભારે હોબાળા સાથે શરૂ થઈ. સભ્યોના સતત હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગુરૂવારના બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. લોકસભાની કાર્યવાહી દરમિયાન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાના મુદ્દા પર વિપક્ષના સાંસદોએ હોબાળો કર્યો. સ્પીકર ઓમ બરિલાએ વિપક્ષને હોબાળાને અયોગ્ય ગણાવતા કહ્યું કે, સદનની મર્યાદાઓ જાળવી રાખવાની પણ જવાબદારી છે.

તેમણે કહ્યું કે, લોકશાહીને સશક્ત બનાવવું આપણા સૌની સામૂહિક જવાબદારી છે. જનતાએ આપણને કકળાટ કરવા અને પોસ્ટર બતાવવા માટે નથી મોકલ્યા. તેમણે સાંસદોને અપીલ કરી કે તમે ગૃહના માધ્યમથી સરકાર સુધી જનતાની સમસ્યાઓ પહોંચાડો. ત્યારબાદ પણ હોબાળો ચાલું રહ્યો. આને જોતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. 12 વાગ્યે જ્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવે તો ફરી વિપક્ષનો હોબાળો શરૂ થયો અને કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

બીજી તરફ 11 વાગ્યે રાજ્યસભાની કાર્યાવાહી શરૂ થતા જ સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો. સભાપતિ વેંકૈયા નાયડૂએ વિપક્ષી સભ્યોને પોતાની સીટ પર પાછા બેસવા કહ્યું અને પોસ્ટર ના બતાવવાની અપીલ કરી, પરંતુ આની અસર ના થઈ. સભ્યોના હોબાળાના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. બપોરે 12 વાગ્યે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો પ્રશ્નકાળ દરમિયાન પણ હોબાળો થયો. આ કારણે બપોરે 2 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

સંસદ પરિસરમાં કૃષિ કાયદા વિરૂધ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી સાંસદો થયા સામેલ

ચોમાસુ સત્રમાં વિપક્ષ સતત સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. ગુરૂવારે સંસદનું સત્ર શરૂ થયું તે પહેલા કોંગ્રેસના સાંસદોએ ગાંધી મૂર્તિ પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતું જેમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.  ખેડૂત આંદોલનકારીઓ આજે જ કૃષિ કાયદાના વિરોધમાં જંતર મંતર ખાતે ધરણા પર બેઠા છે, ખેડૂતો ત્યાં એક સંસદનું આયોજન કરશે. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે 3 કૃષિ કાયદા બનાવવામાં આવ્યા હતા જેનો અનેક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે આજથી પ્રદર્શનકારીઓ જંતર-મંતર ખાતે ભેગા થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણેય કાયદા પાછા ખેંચી લેવા માગણી કરી રહી છે. સંસદના બંને સદનોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ સત્રમાં મુખ્યત્વે પેગાસસ જાસુસી કેસને લઈ હોબાળો થઈ રહ્યો છે અને સાથે જ કૃષિ કાયદાને લઈ પણ હંગામો ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.