બેટ્સમેનોની યાદીમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન બીજા સ્થાને, વિરાટ કોહલી 15માં સ્થાને
ભારતના આક્રમક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવા ટી 20 રેન્કિંગમાં ટોચ પર છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સૂર્યકુમાર 906 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેની પાસે બીજા ક્રમે રહેલા પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન (798) કરતાં 100થી વધુ પોઈન્ટ્સની લીડ છે. ટોચના 10માં એકમાત્ર ભારતીય બેટ્સમેન સૂર્યકુમારે 2022માં ટી20 ઈન્ટરનેશનલમાં શાનદાર રન બનાવ્યા છે. તેણે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે પણ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું.
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોની યાદીમાં 15માં સ્થાન સાથે આગામી સર્વશ્રેષ્ઠ ભારતીય છે. તેણે પોતાનું અગાઉનું રેન્કિંગ પણ જાળવી રાખ્યું છે. બોલરોમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 14માં સ્થાને ટોચના ભારતીય છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર એક સ્થાનના નુકસાન સાથે 19મા સ્થાને છે. ઓલરાઉન્ડરોની યાદીમાં ભારતના હાર્દિક પંડ્યા બાંગ્લાદેશના શાકિબ અલ હસન પછી બીજા સ્થાને છે.
હરિસ રઉફ શાદાબ ખાનને પાછળ છોડીને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 10 વિકેટ સાથે પાકિસ્તાનનો ટોપ બોલર બની ગયો છે. તેને 906 માર્કસ છે. રઉફે ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટી20 શ્રેણીમાં સતત બે મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. રઉફને પાંચ સ્થાનનો ફાયદો થયો છે અને તે 11મા સ્થાને છે. આ દરમિયાન ઈશ સોઢી (620) અને શાહીન શાહ આફ્રિદી (624) પણ બોલિંગ રેન્કિંગમાં ઉપર પહોંચી ગયા છે.
શ્રીલંકાના ડાબોડી સ્પિનર પ્રબથ જયસૂર્યાએ ટેસ્ટ ફોર્મેટમાં 13 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપીને તે ટોપ 10માં પ્રવેશી ગયો છે. જયસૂર્યાના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 669 પોઈન્ટ છે અને તે ટેસ્ટ ફોર્મેટમાં શ્રીલંકાના ટોપ બોલર બની ગયા છે.આયર્લેન્ડ સામે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લેનાર સ્પિનર રમેશ મેન્ડિસ (576) પણ ત્રણ સ્થાનનો ફાયદો ઉઠાવીને 32મા સ્થાને છે.