- “ખેલશે ગુજરાત – જીતશે ગુજરાત”
- રાજ્ય સરકાર દ્રારા 2.34 લાખના ઈનામ વિતરણ ભાઈઓ અને બહેનો બંને સ્પર્ધામાં રેકોર્ડ તૂટ્યા
- ભાઈઓમા પ્રથમ નંબરે બારૈયા પિયુષ 9.13 મિનિટમા તેમજ બહેનોમા બાવળીયા ત્રિશા 12.7 મિનિટમા સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા
ઓસમ ડુંગરની ગોદમાં ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉમંગ અને ઉત્સાહ સાથે પાંચમી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી દ્રારા શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ સાત જિલ્લાના 352 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 20 વિજેતાઓને રૂ.2.34 લાખના ઈનામથી મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે પાંચમી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નું આયોજન કરાયુ હતું,
આ સ્પર્ધામાં ભાઈઓમાં 9.13 મિનિટ સાથે બારૈયા પિયુષ પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં 12.7 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળીયા ત્રિશા વિજેતા થયા હતા.
પાટણવાવ ખાતે ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ સ્પર્ધકો પરત પહોંચ્યા હતા.
આ તકે ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન અને વિજેતાને ઈનામ વિતરણ કરી જણાવ્યું કે, ” કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવો એ સ્પર્ધા જીતવા બરાબર જ હોય છે, ગુજરાતના ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતગમતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ખેલમહાકુંભ જેવા મહોત્સવોથી યુવાનોને એક રમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપી રમતવીરોનુ સન્માન કરે છે.
ત્યારે આજે ઓસમ ડુંગરમા યોજાયેલ પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધામા વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરે છે અને વિજેતા સ્પર્ધકો આગામી તા.5 જાન્યુઆરીના રોજ ગીરનાર ખાતે યોજાનાર સ્પર્ધામા ભાગ લઈ શકશે તેમ ધારાસભ્યએ ઉમેર્યુ હતુ.
જેમાં રાજ્યના રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8 જિલ્લામાંથી 14 થી 18 વર્ષના 197 ભાઈઓ તથા 155 બહેનો સહિત 352 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ખેલાડીઓને ચેસ્ટ નંબર આપી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. સ્પર્ધાનુ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.
રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં નવો રેકોર્ડ સ્થાપિત કરવાનો મને અનહદ આનંદ:પીયુષ બારૈયા
રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો એમ બંને કેટેગરીની સ્પર્ધામાં તમામ જૂના રેકોર્ડ તૂટીને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ભાઈઓમા પ્રથમ નંબર મેળવનાર પીયુષ બારૈયાએ 9 મિનિટ 13 સેક્ધડમા સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે બહેનોમાં વિંછીયા તાલુકાના વાંગધ્રાની બાવળીયા ત્રીશાએ 12 મિનિટ 7 સેક્ધડમા ઓસમ પર્વત સર કરી પ્રથમ નંબર હાસલ કરી નવું કીર્તિમાન સ્થાપિત કરવાની સિધ્ધિ મેળવી હતી.
પીયુષ બારૈયા હર્ષ સાથે કહે છે કે, રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુના રેકોર્ડ તોડી પ્રથમ નંબર સ્થાપિત કરવાનો મને ખુબ જ આનંદ છે. ગત વર્ષે પણ મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો અનુભવ તથા જીતવાની ધગશથી આ વખતે મેં રેકોર્ડ માત્ર 09 મિનિટ 13 સેક્ધડમાં બનાવ્યો છે, જેનો મને ખુબ જ આનંદ છે. આવતા વર્ષે પણ હું આ સ્પર્ધામાં ભાગ લઈશ અને મારો જ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરીશ.
માત્ર 12 મિનિટ 07 સેક્ધડમાં આરોહણ – અવરોહણ સર કરી નવો રેકોર્ડ બનાવનાર વિંછીયાના વાંગધ્રાની બાવળીયા ત્રીશા કહે છે કે, મારા માતા-પિતા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂ તેટલો ઓછો છે. આવી સ્પર્ધાઓ સતત યોજાતી રહે, તેથી મારા જેવી અનેક બહેનો ભાગ લઈ શકે અને જીવનમાં દરેક તબક્કે આગળ વધી શકે. મેં ઓસમ પર્વત માત્ર 12 મિનિટ 07 સેક્ધડમાં આરોહણ -અવરોહણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને જીતી છું. આવતા વર્ષે વધુ પ્રયત્નો કરીને મારો જ રેકોર્ડ તોડીશ.
- સ્પર્ધામાં ઘવાયેલા સ્પર્ધકોની સારવાર કરતી આરોગ્ય ટીમ
- સ્પર્ધામાં સહભાગી થયેલા સ્પર્ધકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમા અન્ય સવલતોની સાથે આરોગ્યની વિવિધ 7 ટીમ સમગ્ર રૂટપર ખડેપગે તૈનાત હતી.
- 352 સ્પર્ધકો પૈકી સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાં એક સ્પર્ધકનું સુગર લેવલ ઓછું થઈ જતા રૂટ પર તૈનાત આરોગ્યની ટીમે સમય સૂચકતા સાથે તુરંત સારવાર આપી હતી.
સ્પર્ધામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ ચૌહાણએ જણાવ્યુ હતુ કે, જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં સ્પર્ધાની સમગ્ર રૂટપર મેડિકલની સાત ટીમ તેમજ બે એમ્બ્યુલન્સ તૈનાત હતી. જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પુનિત વાછાણી, પીડીયાટ્રીશીયન ડો. અંકિતાબેન સાવલિયા સહિત ટીમ ફરજબધ્ધ છે. દોડ દરમિયાન સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા પહોંચી હતી જેમને સ્થળ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાટણવાવ સહિત મેડિકલની ટીમ દ્વારા તુરંત સારવાર અપાઈ હતી.