પ્લોટના પૈસા લીધશ બાદ જમીન માલીક સંપર્ક વિહોણા: પ્લોટના દસ્તાવેજ કરી આપીને કસુરવાર સામે કડક પગલા લેવાની માંગ
પડધરીના ખંભાળા ગામે પ્લોટનાં નામે ૩૫ લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.જેમાં જમીન માલીક પ્લોટના પૈસા લીધા બાદ સંપર્ક વિહોણા થઈ જવા પામ્યો છે. આ મામલે ભોગ બનેલા લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને પ્લોટના દસ્તાવેજ કરી આપી કસુરવાર સામે કડક પગલા ભરવાની માંગ ઉઠાવી છે.
આવેદનમાં અરજદારોએ જણાવ્યું હતુ કે તેઓએ પડધરી તાલુકાના ખંભાળા ગામે રેવન્યુ સર્વે નં. ૨૫૩/૩/૧, ૨૫૩/૩/૨, ૨૫૩/૨, અને ૨૪૦માં શૈલેષભાઈ વિજયભાઈ કાંબલીયા, રિધ્ધીબેન શૈલેષભાઈ કાંબલીયા, મૌલીકભાઈ રાવલ, જૈમનભાઈ રાવલ, બિદ્રાબેન કાંબલીયાએ શિવભૂમિ વિલેજ બનાવવાનું આયોજન કર્યું હતુ.
જેમાં સાટાખત કરારથી ૮૦ ટકા પ્લોટ ખરીદનારોએ ૯૦ ટકા જેટલી રકમ દોઢ વષૅ પૂર્વે ચૂકવી આપી હતી. ત્યારે દસ્તાવેજ માટે શૈલેષભાઈ કાંબલીયાને સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડતા નથી તેમજ દરેક અરજદારોના ફોન બ્લેકલીસ્ટમાં મુકેલ છે. તેઓની આ જમીનની નજીકમાંથી ત્રીજો રીંગ રોડ પસાર થતો હોય તેમજ એઈમ્સ હોસ્પિટલ પણ નજીકમાં જ સ્થળે નિર્માણ પામનાર હોય તેઓએ આ જમીન ફરી અન્યને વેચાણ કરી આપેલ હોવાનું જાણવા મળ્યું છે. આ છેતરપીંડી આચરનાર શખ્સની તાત્કાલીક ધરપકડ કરીને દસ્તાવેજ કરી આપવાની માંગ છે.