Abtak Media Google News
  • દીક્ષાની મંગળ વિધિમાં 30,000ની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાયો

અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ 35 જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીણશ્ર્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં વહેલી સવારે 5.30 કલાકે દીક્ષાની મંગળ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે 30,000ની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો.

15 આચાર્ય ભગવંતો તેમ જ આશરે 400 જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની છત્રછાયામાં સવારે 7.35 કલાકે 35 મુમુક્ષુઓને સાધુજીવનના પ્રતિક સમાન ઓઘો અર્પણ કરવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. 25 મિનિટમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના હસ્તે 35 મુમુક્ષુઓને ઓઘો અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં 15 ભાઈઓ હતા અને 20 બહેનો હતાં. દીક્ષાર્થીઓના હાથમાં ઓઘો આવ્યા પછી તેમણે પરમાત્માને વંદન કર્યા હતા અને ત્રણ પ્રદક્ષિણા દઈને મન મૂકીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ઓઘો અર્પણ થયા પછી મુમુક્ષુઓ તેમના જીવનનું અંતિમ સ્નાન કરવા અને સાધુ-સાધ્વીજી વેશ અંગિકાર કરવા ગયા હતા. ટૂંક સમયમાં તેઓ સંસારી વાઘાં ઊતારીને સાધુજીવનનાં શુભ્ર-શ્ર્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા તે પછી શુભ મૂહુર્તે લોચની વિધિ કરવામાં આવી હતી અને 35 મુમુક્ષુઓનાં સંસારી નામો રદ્દ કરીને સાધુજીવનનાં નૂતન નામો આપવામાં આવ્યાં હતાં.

જૈનોના પાટનગર અમદાવાદમાં 35 દીક્ષાના મહોત્સવનો પ્રારંભ તા.18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે શરૂ થયો હતો. રવિવાર, તા.21 એપ્રિલના મુમુક્ષુઓની વર્ષીદાન યાત્રા કાઢવામાં આવી હતી. વર્ષીદાન યાત્રા બાદ મુમુક્ષુઓને સાધુજીવન માટે ઉપયોગી વિવિધ ઉપકરણો વહોરાવવા માટેની કરોડો રૂપિયાની ઉછામણી બોલાવવામાં આવી હતી.

તા.22 એપ્રિલના વહેલી સવારે 4.32 કલાકે 35 મુમુક્ષુઓને કપાળે વિદાયતિલક કરીને તેમના નિવાસસ્થાનેથી વિદાય કરતાં એવી ભાવના ભાવવામાં આવી હતી કે તેઓ મોહરાજા સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરીને મોક્ષગામી બને.

35 મુમુક્ષુઓ હાથમાં શ્રીફળ લઈને દીક્ષા મંડપમાં આવ્યા તે પછી તેમણે સ્ટેજ ઉપર બનાવવામાં આવેલાં સમોવસરણમાં પરમાત્માને વંદન કરીને ત્રણ પ્રદક્ષિણા આપી હતી અને ગુરુ ભગવંતોને વિધિસર વંદન કર્યા હતા.

આ રીતે મુમુક્ષુઓ દ્વારા માગણી કર્યા પછી ગુરુ ભગવંતે તેમને ઓઘો અર્પણ કર્યો હતો.

ઓઘો અર્પણ થયા પછી મુમુક્ષુઓ સ્નાન કરીને સાધુવેશમાં સજ્જ થઈને પાછા ફર્યા હતા. ત્યાર બાદ મુમુક્ષુઓને ગુરુ ભગવંત દ્વારા લોચની વિધિ પ્રતિકાત્મક રીતે કરવામાં આવી હતી.ત્યાર બાદ તેમને સાધુજીવનના પ્રથામ સોપાન જેવી તથા સર્વ પાપોના આજીવન ત્યાગ સમાન સર્વવિરતિ ધર્મની નીચે મુજબની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી : “કરેમિ ભંતે સામાઈયં, સવ્વં સાવજ્જં જોગં પચ્ચક્ખામિ, જાવ જીવાએ પજ્જુવાસામિ, તિવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાયેણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતં અપિ અન્નં ન સમુજ્જાણામિ, તસ્સ ભંતે, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.”

દીક્ષાની વિધિના અંતિમ ચરણમાં 35 મુમુક્ષુઓનાં સંસારી નામો કાયમ માટે રદ્દ કરીને તેમને સાધુજીવનનાં નવાં નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. પાંચ દિવસના દીક્ષા મહોત્સવનો લાભ અમદાવાદના પાંચ લાખથી વધુ જૈનો દ્વારા લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.