પડધરી તાલુકાના ખોબા જેવડા થોરીયાળી ગામે માત્ર 20 દિવસમાં કોરોનાથી 35 લોકોના મોત નિપજ્યા છે. ગામની પરિસ્થિતિ ગંભીર હોવા છતાં આજ સુધી આરોગ્ય વિભાગની ટીમે ગામ તરફ એક ડોકિયું પણ કર્યું નથી. આ અંગેનો ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ અબતકના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગઈકાલે પબ્લિશ થયો હતો. જેના પરિણામે કલાકોમાં જ ગામમાં માણસો સમાતુ ન હતું. ગામમાં નેતાઓ અને આરોગ્ય વિભાગની ટીમોએ ધામાં નાખીને તેઓને ગ્રામજનોના આરોગ્યની ચિંતા હોય તેઓ ડોળ ઉભો કર્યો હતો.
કોરોનાની બીજી લહેરે ગામડાઓમાં પણ કહેર મચાવ્યો છે. પડધરી તાલુકાના નાના એવા થોરીયાળી ગામને પણ કોરોનાએ બાનમાં લઈને રીતસરનો કહેર મચાવવાનું શરું કર્યું હતું. નાના એવા ગામમાં 20 જ દિવસમાં 35 લોકોના મોતથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગામમાં મોતનું તાંડવ થઈ રહ્યું હોવા છતાં કોઈ પણ પ્રકારની આરોગ્ય સવલત તંત્રએ ઉપલબ્ધ કરી ન હોય ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ઉપરાંત સમગ્ર કોરોનાકાળમાં આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ડોકિયું પણ કર્યું ન હતું. આ અંગે ગામના સરપંચ સહિતના આગેવાનોએ અનેક રજૂઆતો કરી હતી. પણ પરિણામ શૂન્ય મળ્યું હતું.
આ અંગેની જાણ થતાં જ અબતકના પડધરી તાલુકાના પ્રતિનિધિ સતીષ વડગામાં અને ભૌમિક તળપદાની ટીમે ગામમાં જઈને ત્યાંના લોકોની વ્યથાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું. આ સમગ્ર અહેવાલ અબતકના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પબ્લીશ કરવામાં આવ્યું હતું. અહેવાલ પબ્લિશ થયાના કલાકોમાં જ કોંગી ધારાસભ્ય, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગામની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આરોગ્યની ટીમોએ પણ ગામમાં ધામાં નાખ્યા હતા. સાથે તુરંત જ આરોગ્યની ટીમ દ્વારા ગામમાં ત્રણ સ્થળોએ ટેસ્ટિંગ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા હતા.
ગામની હાલત અત્યંત ગંભીર : ગત રાત્રિથી સવાર સુધીમાં વધુ બેના મોત
થોરિયાળી ગામની હાલત અત્યંત ગંભીર બની છે. કોરોનાના કારણે મોટાભાગના પરિવારોએ સભ્યો ગુમાવ્યા છે. ગતરાત્રિથી આજે સવાર સુધીમાં ગામમાં વધુ બે મોત નિપજ્યા છે. આમ છેલ્લા 21 દિવસમાં ગામમાં 37 મોત થયા છે. હાલ એવી માંગ ઉઠી રહી છે કે ગામમાં તુરંત જિલ્લા કક્ષાની આરોગ્ય ટીમ આવીને ગામની સ્થિતિનો તાગ મેળવે અને જરૂરી પગલાંઓ લ્યે.
આખા કોરોનાકાળમાં તંત્રએ ગામ તરફ ડોકિયું પણ ન કર્યું, અબતકના કવરેજ બાદ ગામમાં નેતાઓ અને આરોગ્ય તંત્રની ફોજ ઉતરી ગઈ!!
અબતકના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગ્રામજનોની વ્યથાનું ગ્રાઉન્ડ ઝીરો કવરેજ પ્રસિદ્ધ થયાના કલાકો બાદ વિપક્ષ નેતા, કોંગી ધારાસભ્ય, ભાજપના પૂર્વ ધારાસભ્ય, આરોગ્ય વિભાગની ટીમ સહિતના દોડી આવ્યા : તુરંત જ ગામમાં ત્રણ સ્થળોએ કેમ્પ ગોઠવાયા