બાર્કશાયર હેથવેની કમાન કોના હાથમાં સોંપવી? બફેટે વિશ્વાસુ ઉપર નજર દોડાવી

વિશ્વના ટોપ ટેન કુબેરપતિઓની યાદીમાં સામેલ વોરન બફેટ 90 વર્ષે પણ ધમધોકાર કારોબાર કરી રહ્યા છે. આજે પણ તેમની દિનચર્યા એકદમ સાદગી વાળી છે. સાદગીભર્યા જીવનના કારણે તેઓ 90 વર્ષે પણ મસમોટો કારોબાર સંભાળી રહ્યા છે. ત્યારે હવે તેઓ વારસદાર અંગે વિચારે છે. દરમિયાન વોરન બફેટે કહ્યું છે કે, જો તેમને રાતોરાત કંઈક થઈ જાય તો તેમના ઉત્તરાધિકારી તરીકે ગ્રેક એબલને જવાબદારી સોપવામાં આવે. એકંદરે હવે બર્કશાયર હેથવેની કમાન કોને આપવી તે અંગે વિચારવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, વોરન બફેટ હજી પણ એ ઘરમાં રહે છે જે 60 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. તેઓ સામાન્ય કાર ચલાવે છે અને ભોજન પર પણ 3-4  ડોલરથી વધારે ખર્ચ નથી કરતા. વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. 30 ઓગસ્ટ, 1930ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો.

વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક 25 સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. 11 વર્ષની વયે 38 ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને 27 ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ 40 ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ 200 ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.

તાજેતરમાં તેમણે જાહેરાત કરી હતી કે, તેમને કંઈ થઈ જાય તો ગ્રેગ એબલ તેમના ઉત્તરાધિકારી રહેશે અને તેમને પણ જો કંઈ થઈ જાય તો તેમના સ્થાને અજીત જૈનને જવાબદારી સોંપવી. અજિત જૈન ઇન્સ્યોરન્સ બિઝનેસ સાથે સંકળાયેલા છે.  એબલ અને અજિત જૈન 2018થી બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.