શાપરમાં કારખાનામાં, જેતપુર અને ભાયાવદરમાં જુગારધામ પર ત્રાટકતી પોલીસ: રૂ.૬.૮૧ લાખનો મુદામાલ કબજે
રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહાર ખીલી છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ ખેલૈયાને રંગમાં ભંગ પાડી પાંચ સ્થળે દરોડા પાડયા જેમાં શાપર, જેતપુર અને ભાયાવદર પંથકમાં જુગટુ ખેલતા ૮ કારખાનેદાર સહિત ૩૪ શકુનીની ધરપકડ કરી રૂ.૬.૮૩ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
શાપરના શાંતિધામ વિસ્તારમાં આવેલા શ્રીગણેશ નામના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા કારખાના માલિક ગોપાલ મગનભાઈ અમૃતિયા, અજીત પ્રવિણભાઈ ફળદુ, જીતેન કાન્તીલાલ ખાનપરા, ભરત રવજીભાઈ ઠુંમર, અશ્વીન નાનજીભાઈ, ગૌતમ રતીભાઈ કુંડલીયા, પંકજ જયંતિભાઈ ભીમાણી અને રમેશ નાનજીભાઈ મારવણીયાને ઝડપી પીએસઆઈ આર.જી.સિંધુ, ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે પટમાંથી ૬૧ હજાર રોકડ, પાંચ બાઈક મળી રૂ.૬.૧૧ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
જયારે ભાયાવદરના પાવરીયાધાર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા સ્થળ પર છાપો મારી જુગટુ રમતા બાવનજી મગનભાઈ વાઘેલા, કારા વિનુભાઈ મકવાણા, જયસુખ વશરામભા સોલંકી, રાજેશ મગનભાઈ વાઘેલા, વલ્લભ બાબુભાઈ વાઘેલા, હસમુખ મગનભાઈ વાઘેલા અને સુરેશ વશરામભાઈ સોલંકી નામના શખ્સોને ઝડપી ભાયાવદર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ કોરડીયા સહિતના સ્ટાફે પટમાંથી રૂ.૧૦ હજારનો મુદામાલ કબજે કર્યો છે.
જયારે બીજા દરોડોમાં ભાયાવદરના વટેલિયા ગામમાં દલિતવાસ પ્રાથમિક સ્કુલ પાસે જાહેરમાં જુગાર રમતા જયદિપસિંહ હરભમસિંહ વાળા, મહેન્દ્રસિંહ દેવુભા વાળા, ભાવીન પોલાભાઈ બગડા, કૈલાશ ચંદુભાઈ બગડા, ગોપાલ જેન્તીભાઈ બગડા, નરેશ રામજીભાઈ બગડા, લખધીરસિંહ જયેન્દ્રસિંહ વાળા અને યોગીરાજસિંહ સવજુભાઈ વાળા નામના પતાપ્રેમીને ઝડપી પીએસઆઈ જે.યુ.ગોહિલ, એએસઆઈ જે.જી.અનડકટ સહિતના સ્ટાફે પટમાંથી રૂ.૧૨ હજારનો મુદામાલ કબજે કર્યો છે.
જયારે જેતપુર શહેરના નવાગઢ પટેલ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા અશોક શામજીભાઈ સોરઠીયા, લલીત માધાભાઈ સોરઠીયા, વિનોદ ચુનીલાલ રાદડિયા, રમેશ ગોરધન પાડરીયા અને નિલેષ ધનરાજભાઈ નામના શખ્સોને ઝડપી જેતપુર પોલીસ મથકના નારણભાઈ કે.પંપાણીયા સહિતના સ્ટાફે પટમાંથી રૂ.૨૪ હજારનો મુદામાલ કબજે કર્યો છે. જયારે બીજો દરોડો જેતપુરના અમરનગર રોડ આલ્ફા સ્કુલ પાસેથી જાહેરમાં જુગાર રમતા હિરેન કિશોરભાઈ ગજેરા, જયેશ કાળુભાઈ, રોહિત કિશોરભાઈ ગજેરા, જમન મેઘજીભાઈ બાબરીયા અને હિતેષ વલ્લભભાઈ ગોંડલીયા નામના શખ્સોને ઝડપી હેડ કોન્સ્ટેબલ એસ.એન.પરમાર સહિતના સ્ટાફે ૨૪ હજારની રોકડ જપ્ત કરી છે.