કોરોના મહામારીના બે વર્ષ બાદ ચારધામ યાત્રા સંપૂર્ણ રીતે શરૂ થય ગઇ છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ચારધામ યાત્રામાં કોરોના મહામારી પછી રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યા છે. અત્યાર સુધી 13 લાખથી વધુ યાત્રી નોંધણી કરાવી ચૂક્યા છે, પરંતુ યાત્રા શરૂ થયાના બે સપ્તાહમાં જ હૃદયરોગ, બીપી અને માઉન્ટેઈન સિકનેસથી અત્યાર સુધી 34 શ્રદ્ધાળુના મોત થઈ ચૂક્યા છે. તેમાં મોટા ભાગના એ લોકો છે, જે એક સમયે કોરોના સંક્રમિત થયા હતા. તંત્રે ઊંચાઈવાળા વિસ્તારોમાં યાત્રીઓના મોત પછી સાવચેતી વધારી દીધી છે. યાત્રા માર્ગે શ્રદ્ધાળુઓના આરોગ્યની તપાસ માટે નવા મેડિકલ કેમ્પ તૈયાર કરાયા છે.
કોરોના સંક્રમણ વખતે જેમના ફેફસાંમાં સંક્રમણ વધુ હતું, તેમને ઊંચાઈ પર વધુ મુશ્કેલી પડે છે. હકીકતમાં ગંભીર સંક્રમણની સ્થિતિમાં ફેફસાં પણ જકડાઈ જાય છે. તેની ફૂલવાની ક્ષમતા ઘટી જાય છે. આ સ્થિતિમાં મેદાની વિસ્તારના લોકો ત્રણેક હજાર મીટરની ઊંચાઈએ ગભરાઈ જાય છે કારણ કે, પહાડ ચઢતી વખતે ફેફસાં યોગ્ય રીતે ફૂલી નહીં શકતા તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ પ્રકારના સ્થળ માટે સંક્રમિતોના ફેફસાં સંપૂર્ણપણે તૈયાર ના થયા હોય એવું બની શકે.
ચારધામ યાત્રામાં સતત મૃત્યુ પછી કેન્દ્રએ પણ પહેલીવાર એનડીઆરએફ અને આઈટીબીપીના જવાનો તહેનાત કર્યા છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓના ધસારાના કારણે વિવિધ માર્ગે મિસ-મેનેજમેન્ટ પણ દેખાઈ રહ્યું છે. ક્યાંક પાણીની અછત છે, તો ક્યાંક દસેક કિ.મી. લાંબા ટ્રાફિક જામ છે. આ તકનો ફાયદો ઉઠાવીને હોટલ-રેસ્ટોરન્ટ માલિકો મનફાવે તેમ કિંમતો વસૂલી રહ્યા છે. તંત્રએ આવા વેપારીઓની ધરપકડ કરવાનો પણ આદેશ આપવો પડ્યો છે. એવું પણ નક્કી કરાયું છે કે, નોંધણી કરાવ્યા વિના જતા યાત્રીઓને ઋષિકેશથી આગળ જવાની મંજૂરી ના અપાય.