રાજયમાં કુલ ૭૪૬૩ કેમેરા ટ્રાફિક સંચાલન અને ગુનાખોરી ડામવા ઉપયોગમાં લેવાશે
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત રાજય સરકારે ૩૪ શહેરો અને ૬ ધાર્મિક સ્થળો મળી કુલ ૪૦ સ્થળોએ રૂ.૨૪૫ કરોડના ખર્ચે કુલ ૭૪૬૩ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેકટ હેઠળ દરેક જિલ્લા-મથકોએ કંટ્રોલરૂમની સ્થાપના થશે. સોમનાથ, દ્વારકા, પાલિતાણા, ડાકોર, અંબાજી અને પાવાગઢ ઉપર સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સલામત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધારે આ સુવિધા પૂરી પાડવાનું નક્કી કર્યુ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં સારી કામગીરી શરૂ થઈ રહી છે ત્યારે સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત ગુજરાતમાં ૭૪૬૩ સીસીટીવી કેમેરા ફીટ કરાવાશે.
મંત્રી જાડેજાના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટ દ્વારા ગુનાખોરી ડામવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકાશે. સીસીટીવી કેમેરા હેઠળ જે વિસ્તાર આવરી લેવાશે ત્યાં ગુનાઓની તપાસમાં ઝડપ લાવી શકાશે. ગુનાઓની તપાસમાં આ વીડિયો ક્લીપનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે કોર્ટમાં ગુના પુરવાર કરી શકાશે. રાજ્યના ૬ ધાર્મિક સ્થળોના સમગ્ર વિસ્તારોને સીસીટીવી કવરેજ નીચે આવરી લેવાશે. અત્યાર સુધી માત્ર મંદિર વિસ્તારને જ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા સીસીટીવી કવરેજ નીચે આવરી લેવાયો છે પરંતુ આ સ્થળોની લઈને સમગ્ર શહેરી વિસ્તારને આવરી લેવાથી વાર-તહેવારે ભીડનું સારી રીતે સંચાલન કરી શકાશે. આ સુવિધાનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશન વ્સિતારની નાગરિક સુવિધાઓની સુચારુ સેવાઓ પણ ઉપયોગ કરી શકાશે.
ધાર્મિક સ્થળોએ નાનો કંટ્રોલ રૂમ ઊભો કરાશે. જેમાં રેકર્ડ કરાયેલા ફીડના એનાલીસીસ માટે વીડિયો એનાલીટીક સોફ્ટવેર ખરીદાશે. જેમાં નંબર પ્લેટની મદદથી વાહનોની વિગતો મેળવીને વાહનોની ઝડપ શોધવી, ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરતા વાહનોને શોધાશે. આ ઉપરાંત ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગનાઈઝેશન સિસ્ટમના આધારે ડેટા સાથે સાંકળવામાં આવશે. જેની મદદથી ગુના શોધાશે.દરેક જિલ્લા મથકોએ કંટ્રોલ રૂમ સ્થપાશે. જેમાં સમગ્ર શહેરના કેમેરાના ફીડ સ્ટોર થશે. જેનું એનાલીસીસ કરાશે. તેના આધારે તમામ કાર્યવાહી હાથ ધરાશે. મુખ્ય શહેરોમાં બનતા બનાવો ઉપર પણ રાજ્ય સરકાર ચાંપતી નજર રાખી શકશે. જિલ્લાકક્ષાએ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન પણ આપી શકાય તે માટે રાજ્યના તમામ કંટ્રોલ રૂમ્સ મુખ્ય કંટ્રોલ રૂમની સાથે જોડી દેવાશે.