ભીખમંગાઓ અને ગીધડાઓ ઉપર મીડિયા ત્રાટકયું!!
ચૂંટણી સમયે પોતાના સ્વાર્થ ખાતર બેફામ રીતે નીકળી પડેલા કહેવાતા નેતાઓ પોતાની સુરક્ષા કાજે ક્વોરેન્ટાઇન થઈ ગયા
કોરોનાકાળમાં કોંગ્રેસ પણ ગુમ: વિરોધ કરવાવાળું કોઈ ન હોય તંત્રને વાસ્તવિક ચિત્ર બતાવવા મીડિયાને વિપક્ષની ભૂમિકા ભજવી પડી
જેમને નિયમોના લીરા ઉડાડીને કોરોના પ્રસરાવ્યો છે તે ભૂતકાળમાં ભૂંગળા લઈને નીકળી પડેલા લોકો અત્યારે ઘર જાલીને બેસી ગયા છે. આ કહેવાતા નેતાઓ પ્રજાની વચ્ચે રહેવાને બદલે જાણે હોમ ક્વોરન્ટાઇન થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. તદઉપરાંત કોરોનાકાળમાં કોંગ્રેસ પણ ગુમ થઈ ગયું છે. વિરોધ કરવાવાળું કોઈ ન હોય તંત્રને વાસ્તવિક ચિત્ર બતાવવા મીડિયાને વિપક્ષની ભૂમિકા ભજવી પડી રહી છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે. હાલ હાલત તંત્રના કાબુ બહાર છે. જો કે સામે તંત્ર પણ સબ સલામતના દાવા કરી રહ્યું છે. કોરોનાનો બીજો કાળ કહેવાતા નેતાઓના કારણે આવ્યો તેવું કહેવુ જરા પણ ખોટું નથી. ચૂંટણી ટાણે મત માંગવા ટોળે ટોળા નીકળી પડ્યા હતા. મતગણતરીમાં પણ ટોળાએ ભેગા થઈને જશન પણ મનાવ્યો હતો. આ લોકોએ કોરોના પ્રસરાવવામાં કઈ બાકી રાખ્યું ન હતું. હવે આ જ નેતા લોકો વચ્ચે રહેવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ ગયા છે. બીજી તરફ દરેક મુદાઓ ઉપર સરકારના કાન આંબળતું કોંગ્રેસ પણ કોરોનાકાળમાં ગાયબ જ થઈ ગયું છે. ત્યારે તંત્રને વાસ્તવિક ચિત્ર બતાવી તેના દાવાઓ સામે વિરોધ નોંધાવી મીડિયાને વિપક્ષની ભૂમિકા ભજવવી પડી રહી છે. ટૂંકમાં હાલ સ્થિતિ કાબુ બહાર હોય તંત્ર તે વાત માનવા તૈયાર નથી. હવે સમગ્ર સૌરાષ્ટ્ર રામભરોષે જ છે.