ઈસાઈ ધર્મના દેવતા ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવવામાં આવ્યા તેમ છતાં તેને શા માટે ‘ગુડ’ તરીકે સંબોધાય છે?
ઈસાઈ ધર્મના ગુડફ્રાઇડે અને ઇસ્ટર રવિવારને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ઇસાઇ ધર્મને માનનાર લોકો ચર્ચમાં જઇને ઇશુને યાદ કરે છે અને સામાજીક કાર્યો કરે છે. એક માન્યતા મુજબ ગુડફ્રાઇડેના દિવસે જ ઇશુને ફાંસી પર ચડાવવામાં આવ્યા હતા. અને તેઓએ આત્મ બલિદાન આપીને પ્રેમની પરાકાષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ લોકો સમક્ષ મૂકયું હતું. આ દિવસને હોલી (પવિત્ર) ડે. ગ્રેટ ફ્રાઇડે અને બ્લેક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતીકાલે ર એપ્રિલે ખ્રિસ્તીઓનું આ પવિત્ર પર્વ મનાવાશે. આ પવિત્ર દિવસે ઇશુ ખ્રિસ્તી પર જે વિત્યુ હતું તેને જાણ્યા બાદ આદિવસને ખુશીના દિવસ તરીકે મનાવવામાં નથી આવતો. તેમ છતાં આ દિવસને ગુડ ફ્રાઇડે શા માટે કહેવામાં આવે છે? ચાલો આજે તેના વિશે એવી કેટલીક વાતો પર નજર દોડાવીએ. ઇસાઇ સમુદાયના લોકો વચ્ચે એવી માન્યતા છે કે ઇસા મસીહ પરમાત્માના પુત્ર હતા તેઓ પરમાત્માના એક મેસેન્જર તરીકે આ ધરતી પર અજ્ઞાનતા દૂર કરવા તથા પ્રેમ અને અચ્છાઇના પાઠ શીખવવા અવતરીત થયા હતા. તેથી જયારે કટ્ટર પંથીઓને ખુશ કરવા માટે પિલાતુસ નામના એક વ્યકિત દ્વારા ઇસા મસીહ પર અત્યાચારો ગુજારવામાં આવ્યા તે પણ તેમણે સહન કર્યા અને ક્રોસ પર લટકાવવાના સમયે ભગવાનને પ્રાર્થના કરી કે આ લોકોને માફ કરી દો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. પ્રેમની પરાકાષ્ઠા સમજાવવા ઇશુએ પોતાની કુરબાની આપી દીધી. જે દિવસે ઇશુ ખ્રિસ્તી ને ક્રોસ પર લટકાવાયા હતા. એ દિવસે શુક્રવાર હતો. ઇશુની મહાનતા, ત્યાગ, દયા અને પ્રેમના મૂલ્યોને ઉજાગર કરવા બદલ આ દિવસને ‘ગુડ ફાઇડે’ તરીકે ઓળખવામાં આવે છે.
કેવી રીતે મનાવાય છે ‘ગુડ ફ્રાઇડે’
આ દિવસે લોકો ચર્ચમાં જઇને પ્રભુ ઇશુને યાદ કરે છે. કેટલાક લોકો તેની યાદમાં કાળા વસ્ત્રી ધારણ કરીને શોક મનાવે છે. અને પદયાત્રા પણ કરે છે. ઇસાઇ ધર્મમાં કેન્ડલ અને ઘંટીઓ બાંધવાનું વિશેષ મહત્વ છે. જેનો શુભ કાર્યોમાં ઉપયોગ થાય છે, પણ આ દિવસે કેન્ડલ અને ઘંટીઓનો ઉપયોગ નથી કરાતો આ દિવસે લોકો ઘંટીના સ્થાને લાકડી વડે ખટખટ અવાજ કરે છે, જો કે આ દિવસને ભલાઇનો દિવસ પણ કહેવામાં આવે છે, તેથી વધુ પડતા લોકો સામાજીક કાર્યોમાં ભાગ લે છે, વૃક્ષારોપણ અને દાન પણ આપે છે.
ઈસ્ટર સન્ડે
ઈસાઇઓમાં એવી માન્યતા છે કે ઇશુ ખ્રિસ્તી ને ક્રોસ પર લટકાવવાના ત્રીજા દિવસે એટલે કે આવનારા સનડે ના ઇસા મસીહ પુન: જીવિત થયા હતા. ત્યારબાદ તેઓએ પોતાના અનુયાયિઓ સાથે 40 દિવસ સુધીનો સમય વિતાવ્યો હતો. ઇશુના પુન: જીવિત થવાના આ દિવસને ઈસ્ટર સનડે કહેવામાં આવે છે. આ દિવસથી લઇને 40 દિવસો સુધી ઇસ્ટર પર્વ મનાવવામાં આવે છે.