- મુંબઇમાં હોર્ડિંગ્સ ધરાશાયી થયાની જીવલેણ દુર્ઘટનાના પગલે
- ભારે પવનના કારણે શહેરમાં ચાર સ્થળે વૃક્ષો ધરાશાયી, બે બોર્ડ પણ પડ્યા: મંડપ હવામાં ઉડ્યા: અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થયાની ફરિયાદ
- સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટની પુન: ચકાસણી કરી લેવા કરાશે તાકીદ: એસ્ટેટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત કાલથી જ નોટિસો આપવાનું શરૂ કરાશે
મુંબઇમાં મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી થવાની ઘટનામાં અનેક લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. ચોમાસાની સિઝન દરમિયાન ભારે પવન કે વરસાદમાં રાજકોટમાં આવી કોઇ જીવલેણ દુર્ઘટના ન બને તે માટે કોર્પોરેશનનું તંત્ર સંતર્ક બની ગયું છે. મુંબઇ હોર્ડિંગ્સ દુર્ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. આવતીકાલથી કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં આવેલી 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટની પુન: ચકાસણી કરી લેવા માટે નોટિસ ફટકારવામાં આવશે. હાલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાનગી એજન્સીઓની 334 અને કોર્પોરેશનની 218 હોર્ડિંગ્સ સાઇટ આવેલી છે. બધા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટ છે જ. આ સર્ટિફીકેટની મુદ્ત પાંચ વર્ષની હોય છે. તેમ છતાં જો કોઇ સાઇટ પર પાંચ વર્ષની મુદ્ત પૂરી થઇ ગઇ હોય તો તેઓને નવેસરથી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટ રજૂ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવશે. પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ એસ્ટેટ શાખા દ્વારા કાલથી જ ખાનગી એજન્સીઓની હોર્ડિંગ્સ સાઇટને નોટિસ આપવાનું શરૂ કરી દેવામાં આવશે.
સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટ હોય તો પણ તેની પુન: ચકાસણી કરી લેવા માટે તાકીદ કરવામાં આવશે. ગઇકાલે શહેરમાં તોફાની પવન ફૂંકાવાના કારણે શહેરમાં જાગનાથ અને યાજ્ઞિક રોડ પર બે બોર્ડ ધરાશાયી થઇ ગયા હતા. જો કે, આ એકપણ બોર્ડ હોર્ડિંગ્સ બોર્ડ ન હતું. દુકાન કે કંપની દ્વારા લગાવવામાં આવેલું સાઇન બોર્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇકાલે ભારે પવન ફૂંકાતા શહેરના અલગ-અલગ ચાર વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની ફરિયાદ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખામાં નોંધાઇ હતી.
જેમાં નાના મવા મેઇન રોડ પર શાસ્ત્રીનગરની બાજુમાં, રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડમાં, જયરાજ પ્લોટ મેઇન રોડ પર વર્ધમાનનગર શેરી નં.6માં અને આરટીઓ પાછળ શિવનગર વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી.
સુસવાટા મારતા પવનમાં શહેરના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જવાના કારણે અંધારપટ્ટ છવાઇ ગયો હતો. પીજીવીસીએલની ટીમો સતત દોડતી રહી હતી. ગરમીમાં વિજળી ગુલ થઇ જવાના કારણે લોકો અકડાઇ ઉઠ્યા હતા. રાજ્યમાં મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દીધી હતી. વિજળી પડવાથી બે લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યના અલગ-અલગ 118 તાલુકાઓમાં સામાન્ય છાંટાથી લઇ અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. અમરેલીના સાવરકુંડલામાં 66 મીમી એટલે કે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હજુ 17મી મે સુધી રાજ્યમાં આંધી સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.