શાળા, આંગણવાડી, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ અને અનાથ આશ્રમને આવરી લેવાશે: વોર્ડ વાઈઝ એકશન પ્લાન તૈયાર કરતું કોર્પોરેશન

ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં ૨,૪૭,૩૭૪ બાળકો તથા ૭૨,૮૮૪ કિશોર સહિત કુલ ૩,૨૦,૨૧૮ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. શાળા, આંગણવાડી, મદ્રેસા, ચિલ્ડ્રોન હોમ, અનાથ આશ્રમને આવરી લેવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા વોર્ડ દીઠ એકશન પ્લાન તૈયાર કરાયો છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આગામી ૧લી ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ૩,૨૦,૨૧૮ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. જેમાં પાંડુરોગ, વિટામીન-એ ની ઉણપ, ચામડીના રોગ, કાનમાં પરુ, શ્ર્વાસના રોગ, દાતનો સડો, તાણ આંચકી, દ્રષ્ટિમાં ખામી, સાંભળવામાં તકલીફ, હૃદય, કિડની, કેન્સલ અને થેલેસેમીયા જેવા મેજર રોગની સારવાર કરવામાં આવશે.

આ ઉપરાંત જન્મજાત ખામી, રોગ, ઉણપ, વિકલાંગતા સહિત શરીરના મોડા વિકાસની તપાસ કરી સારવાર કરવામાં આવશે. શહેરની ૮૯૨ પ્રાથમિક શાળાના ૨,૧૭,૫૦૦ બાળકો, ૨૮૩ માધ્યમિક શાળાના ૭૨,૮૪૪ બાળકો, ૩૪૨ આંગણવાડીના ૨૭૬૬૭ બાળકો, ૧૩ મદ્રેસા, ચિલ્ડ્રોન હોમ અને અનાથ આશ્રમના ૨૨૨૭ બાળકોને આવરી લેવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ૫૦ મેડિકલ ઓફિસર, ૧૬૧ એએનએમ/જીએનએમ, ૨૫ ફાર્માસીસ્ટ, ૨૧ લેબ ટેકનીશીયન, ૧૧૫૫૧ શિક્ષકો, ૪ મુખ્ય સેવિકા, ૫૯૧ હેલ્પર, ૩૫૨ અર્બન આશાની બહેનો કામગીરીમાં જોડાશે. તમામને તાલીમ આપવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દર સોમવારે સાફ-સફાઈ, પાણીના સ્ત્રોતની તપાસણી, ઔષધી વૃક્ષારોપણ તથા પીવાના પાણી નમુના લેવાશે.

મંગળવારે બાળકોના આરોગ્યની ચકાસણી, બુધવારે મહામમતા દિવસ દરમિયાન બાળ તંદુરસ્તી હરિફાઈ, તંદુરસ્ત સગર્ભા હરિફાઈ, વાનગી હરિફાઈ, પૌષ્ટીક વાનગી હરિફાઈ, દાદા-દાદી, નાના-નાની મીટીંગ, ગુરુવારે મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્યની ચકાસણી, શુક્રવારે તજજ્ઞ ડોકટર દ્વારા ખામીયુકત બાળકોના તબીબી તપાસણી તથા શનિવારે વોર્ડની એક પ્રાથમિક શાળા તથા હાઈસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ અભિયાનમાં જોડાવવા વાલીઓને મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.