- ઉન વિસ્તારમાં 32 વર્ષીય MD ડ્રગ્સ લેવાના કારણે યુવકનું મોત
- મૃતક નવાજખાન પઠાણનું ડ્રગ્સના ઓવર ડોઝના કરને મોત નીપજ્યાનું જણાવ્યું
- ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું MD ડ્રગ્સ લેવાના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર મૃતક નવાજખાન પઠાણ છેલ્લા 15 દિવસથી ડ્રગ્સનું સેવન કરતો હતો. જેમાં ડ્રગ્સના ઓવર ડોઝના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવાયું છે. મૃતક ઓટોરિક્ષા ચલાવી ઘર ગુજરાન ચલાવતો હતો તેમજ દારૂનું સેવન કરતો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં 32 વર્ષીય નવાઝખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને ત્રણ દીકરી છે. નવાઝખાન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આ સાથે જ નવાઝખાન સમયાંતરે દારૂ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે MD ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત 20મીની રાત્રે 11 વાગ્યાના અરસામાં નવાઝખાન પઠાણે પોતાના ઘર પર કોઇ નશાકારક દ્રવ્યનું ઇન્જેકશન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ ત્રણ જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, કોઈ રિકવરી આવી ન હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ મામલે મૃતકના ભાઈ ઇમરાનખાન પઠાણે જણાવ્યું હતું કે, નવાઝખાન પઠાણ પહેલા દારૂ પીતો હતો. જોકે, છેલ્લા 15-20 દિવસથી MD ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતો. જેમાં ગત 20 જાન્યુઆરીના રોજ MD ડ્રગ્સ લેતાં ઓવરડોઝ થઈ ગયો હતો. ત્યારબાદ તે ઘરે બેભાન થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેની તબિયત વધુ ખરાબ થતા અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.
તે રીક્ષા અને ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેના પરિવાર માં પત્ની અને ત્રણ બાળકીઓ છે. ડ્રગ્સ ના કારણે નવાઝ ખાનનું મોત થયું હોવાનું પરિવારે જણાવ્યું છે. તેના મૃતદેહ ને હાલ પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પરિવારે જણાવેલ હકીકતના આધાર ભેસ્તાન પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકની મોતનું સાચું કારણ બહાર આવશે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે આજે (28 જાન્યુઆરી) સવારે નવાઝખાન પઠાણનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા MD ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાના આક્ષેપના પગલે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવાઝખાન પઠાણના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે, હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.
મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઈનું મોત MD ડ્રગ્સના ઓવરડોઝના કારણે જ થયું છે. ઉન પાટીયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મારી એટલી જ વિનંતી છે કે, આ બધુ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને ત્રણ દીકરીઓ છે અને ઘરમાં કામાવાળો એ એક જ હતો. મારા ભાઈને ન્યાય જોઈએ.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય