રાજકોટ ને સ્વચ્છ, સુંદર અને ગંદકી મુક્ત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ સ્વછતા અભિયાન અંતર્ગત શહેરમાં આવેલ ન્યુસન્સ પોઈન્ટ પર લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકતા ૩૨ ઇસમો પાસેથી ૧૩,૨૫૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ હતો, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.
જાહેરમાં ગંદકી ન થાય તેવા હેતુથી જ્યાં-જ્યાં જાહેરમાં લોકો દ્વારા કચરો ફેંકતો હતો તેવા સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ગાર્ડ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કર્મચારીને દેખરેખ માટે રાખવામાં આવેલ છે. આવા ન્યુસન્સ પોઈન્ટ પરથી ૩૨ ઇસમો પાસેથી રૂપિયા ૧૩,૨૫૦ નો જાહેરમાં કચરો કરતા દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમ મ્યુનિ. કમિશનરે જણાવેલ હતું.
શહેર ત્યારે જ સ્વચ્છ થશે જયારે શહેરના લોકો જાગૃત થઇ જાહેરમાં કચરો ફેંકવાનું ટાળશે અને પોતે જાહેરમાં ગંદકી ન કરે અને અન્ય નાગરિકને પણ ગંદકી કરતા અટકાવશે.
રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે અથાગ મહેનત કરી રહી છે, તેની સાથે સાથે નાગરિકો પણ સહકાર આપશે તો રાજકોટ ખરેખર સ્વચ્છ બની શકશે. મહાનગરપાલિકા તો તેનું કાર્ય કરી જ રહી છે, જેમ કે ઘરે ઘરે થી કચરો એકત્ર કરાવવો, જાહેરમાં કચરો ફેંકવા પર દંડની કાર્યવાહી, જાહેરમાં ન્યુસન્સ કરતા પર દંડની કાર્યવાહી, જાહેર શૌચાલયો સ્વચ્છ રાખવા, કચરાનું વર્ગીકરણ કરવું, સુકો કચરો-ભીનો કચરો અલગ રાખવો તેમજ સ્વછતા એપ પરથી લોકો દ્વારા આવતી ફરિયાદોનો તત્કાલ નિકાલ તેમજ લોકોના ફીડબેક પરથી સુધારા-વધારી પણ મહાનગરપાલિકા કરી જ રહી છે, સાથે સાથે લોકોનો પણ બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે, જેના થકી જ રાજકોટ સ્વચ્છ અને સુંદર બની શકશે.