વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આફ્રિકન ડેલીગેશન અભિભૂત થયું હતું. આફ્રિકન દેશોના મીડિયા પ્રતિનિધિ મંડળના 32 જેટલા પત્રકારો એકતાનગરની મુલાકતે પધાર્યા હતા. વિદેશી મીડિયા ડેલીગેટ્સ સાથે સંવાદ સાધી પુનઃ પધારવા આમંત્રણ પાઠવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ. મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનું પ્રતિનિધિ મંડળ 26 થી 30 ઓકટોબર સુધી ગુજરાતના વિવિધ મહત્વના સ્થળોની મુલાકતે પધાર્યા છે.
મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશના વિદેશી પ્રવાસી પ્રતિનિધિ મંડળ ગરવી ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે તા. 26 થી 30 ઓકટોબર દરમ્યાન ગુજરાતના વિવિધ મહત્વના સ્થળોની સ્ટડી ટુર માટે પધાર્યા છે. તેમાં એક દિવસની નર્મદા જિલ્લાની મુલકાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ પ્રવાસન સ્થળ ખાતે પધાર્યા હતા. આ પ્રતિનિધિ મંડળના 30 જેટલા મિડીયા કર્મીઓ સામેલ થયા હતાં. આ પ્રતિનિધિ મંડળ- ગુજરાતના અમદાવાદ હેરીટેજ સીટી, સહકારી ક્ષેત્રે ખ્યાતીપ્રાપ્ત આણંદ અમૂલ ડેરીની મુલાકાત લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
સરદાર પટેલના સાનિધ્યમાં સરદાર સરોવર ડેમ, નર્મદા રિવર, પ્રાકૃતિક સૌંદર્ય અને એકતાનગરના વિવિધ પ્રકલ્પોને અને સરદાર પટેલના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો પણ નિહાળ્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન કરાવતા એકતાનગરનો વિકાસ નજરે નિહાળી વિદેશી પ્રવાસીઓ અભિભૂત થયા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારત, યુનિટી વોલ અને પ્રદર્શની જોઈને આનંદવિભોર બન્યા હતા. દિલથી સેલ્ફી લઈ પોતાના મોબાઈલમાં પ્રાકૃતિક નજારાને યાદગીરી અર્થે કેમેરામાં કેદ કરીને એકતા નગરના કાયમી સંભારણાને યાદગીરીરૂપે અલગ-અલગ જગ્યાની તસ્વીરો કંડારી હતી.
વિદેશી મીડિયા ડેલીગેટ્સ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને સરદાર સરોવર નર્મદા ડેમના ચેરમેન મુકેશ પૂરીએ સરદાર સાહેબના જીવન કવન દર્શાવતા થિયેટરમાં બેસીને મોકળાશથી વાત ચીત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિક કક્ષાએ થયેલા રોજગારી સર્જન અને પ્રવાસન માટે લોકોને આકર્ષિત કરી રહેલા પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વારંવાર પધારવા આમંત્રણ પાઠવી યાદગીરી રૂપે સરદાર પટેલની પ્રતિકૃતિ આપી હતી. વિદેશ મીડિયા ડેલીગેટ્સે પણ ભારોભાર આભાર માન્યો હતો. એકતાનગરના ટુંકા પ્રવાસ બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતાં.