૩૧૨ સંવેદનશીલ મથકો પર બમણો પોલીસ બંદોબસ્ત
૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ૨૩૬ ઉમેદવારો અજમાવી રહ્યાં છે ભાવિ
મહાપાલિકાની ચૂંટણી માટે ૬૪૫ મતદાન મથકો પર તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. મતદાન મથકો પર સુરક્ષા માટે પોલીસ હોમગાર્ડઝ સહિત ૨૨૦૦ સુરક્ષા કર્મચારીઓ ચુસ્ત સુરક્ષા જાળવશે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૪૫માંથી સંવેદનશીલ ૩૧૨ મતદાન મથકો પર બમણો પોલીસ બંદોબસ્ત રહેશે. શહેરમાં લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે ચૂંટણીમાં પોલીસ, હોમગાર્ડઝ સહિત ૨૨૦૦ સુરક્ષા કર્મચારીઓ ચુસ્ત સુરક્ષા જાળવશે. જામ્યુકોની ચૂંટણીમાં રવિવારે થનારી મતદાનની પ્રક્રિયા માટે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. શહેરમાં કુલ ૬૪૫ મતદાન મથકો પર મતદાન થશે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના મતદાનના પ્રચાર પડઘમ શાંત પડી ગયાં છે. જામનગર મહાપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બોઠકો માટે કુલ ૨૩૬ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
જેમાં ભાજપ (૬૪), કોંગ્રેસ (૬૨), તેમજ આપ- બસપા વગેરે પક્ષો ઉપરાંત અપક્ષો પણ પોતાનું રાજકીય ભાવિ અજમાવી રહ્યા છે. આ ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ નિયમ મુજબ બંધ કરાવાતો હોવાથી શહેરમાં પ્રચારના ભુંગળા શાંત થઈ ગયાં છે. જામનગરને મહાનગરનો દરજજો સાંપડ્યા પછીની આ આઠમી સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવાર તા. ૨૧ ફેબ્રુ. ના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી તંત્રપણ તૈયારીઓ અંતિમરૂપ આપી રહ્યું છે. આ ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે શહેરના જુદા જુદા ૪ સ્થળો પર તા. ૨૩ નારોજ મતગણતરી થશે.
શનિ-રવિવારે સીટી બસ સેવા બંધ રહેશે
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી કામગીરી માટે સીટી બસોનો ઉપયોગ કરવામાં આવશે. જેથી શહેરમાં તા. ૨૦ અને તા. ૨૧ ફેબ્રુ.ના (શનિવાર-રવિવાર) દિવસોમાં સીટી બસ સેવા બંધ રહેશે તેમ મહાપાલિકા પ્રોજેકટ બેન્ડ પ્લાનીંગ શાખાની યાદીમાં જણાવાયું છે.
૪૦૦ હોમગાર્ડ જવાનોએ કર્યું પુન: મતદાન
જામનગર: જામનગરની હોમગાર્ડની કચેરીમાં ચૂંટણી ફરજના જવાના મતદાનમાં ગોટાળો થયાના આક્ષેપ પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ બેલેટ પેપર કબજે કરી લેવામાં આવ્યા છે, અને તે મતદાનની પ્રક્રિયા રદ કરી દેવાયા પછી મતદાનની પ્રક્રિયા એમપી શાહ કોમર્સ કોલેજ ના મતદાનમથક પર તમામ હોમગાર્ડના જવાનોને મતદાન કરવા આદેશ કરાયો હતો. ૫૩૨માંથી ૪૦૦ જવાનોએ મતદાન કર્યું હતું.
જામનગર લાલ બંગલામાં આવેલી હોમગાર્ડની કચેરીમાં પોસ્ટલ બેલેટનું વિતરણ કરીને ત્યાં જ મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવાના મામલે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, સહિતના વિપક્ષોએ વિરોધ કર્યો હતો અને ભાજપની તરફેણમાં મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ મામલે વહીવટી તંત્ર સક્રિય બન્યા પછી જિલ્લા કલેકટર દ્વારા ૪૦૦થી વધુ પોસ્ટલ બેલેટ પેપર કબજે કરી લઈ તેને સીલ કરીને ટ્રેઝરીમાં મૂકી દીધા છે. જામનગર શહેરમાં જુદાજુદા મતદાન મથકો પર ચૂંટણી ફરજ માટે હાજર રહેનારા ૫૩૨ હોમગાર્ડના જવાનોનું ફેરમતદાન સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયું ચાર વાગ્યા સુધી એમ પી શાહ કોમર્સ કોલેજમાં ઉભા કરાયેલા મતદાન મથકમાં થશે. તમામ હોમગાર્ડના જવાનોએ બેલેટ પેપર સ્વીકારીને ત્યાં જ તેનું મતદાન કરવા આદેશ કરાયો છે. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મતદાન મથક અને બેલેટ પેપરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.