- ગુજરાતની સરહદો ખુલ્લી કે સેટિંગીયાઓનો દબદબો?
- નાની મોલડી ગામે ક્ધટેનરમાંથી રૂ.65 લાખની કિંમતની 24060 વિદેશી દારૂની બોટલ પકડી પાડતી ચોટીલા પોલીસ
- ગોંડલનાં પાટીદળ ગામેથી પડતર મકાનમાંથી રૂ. 26 લાખની કિંમતની 6792 બોટલ ઝડપી લેતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ સર્જવા બુટલેગર રઘવાયા થયાં હોય અને બીજી બાજુ પોલીસ દારૂની બદ્દી ડામવા સક્રિય થતાં દારૂનો જંગી જથ્થો પકડાઈ રહ્યો છે. ફક્ત 24 કલાકમાં જ રાજકોટનાં પાદરમાંથી આશરે 31 હજાર દારૂની બોટલ ઝડપાઈ છે. એકતરફ ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાંથી રૂ. 65 લાખની કિંમતની 24060 બોટલ કબ્જે કરી છે જયારે બીજી બાજુ રાજકોટ રૂરલ એલસીબી ટીમે ગોંડલનાં પાટીદળ ગામેથી રૂ. 26 લાખની કિંમતની 6792 બોટલ કબ્જે કરી છે. હવે જયારે પોલિસ આટલા મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો કબ્જે કરતી હોય ત્યારે એક મોટો સવાલ એવો ઉભો થાય છે કે, આટલો મોટો મુદ્દામાલ ગુજરાતની સરહદમાં કેવી રીતે ઘુસાડી દેવામાં આવે છે. શું બુટલેગરો માટે સરહદ ખુલ્લી કરી દેવાઈ છે તેવો પણ સવાલ ઉભો થયો છે.
દારૂના પ્રથમ દરોડાની જો વાત કરવામાં આવે તો રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઈ એચ સી ગોહિલની ટીમનાં હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાની બાતમીનાં આધારે ગોંડલ તાલુકાનાં પાટીદળ ગામમાં હાઈબોન્ડ જવાનાં રસ્તે 100 વારીયા પ્લોટ વિસ્તારમાં આવેલ પડતર મકાનમાં અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણાએ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો.
એલસીબી ટીમે પડતર મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 350 પેટીમાંથી 6792 બોટલ જેની કિંમત રૂ.26,03,208 ઝડપી પાડી હતી. એલસીબી ટીમે અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા રહે. પાટીદળ ગામ, તા. ગોંડલ, જી. રાજકોટવાળાની શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડાની જો વાત કરવામાં આવે તો રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલ નાની મોલડી ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ ચોટીલા પોલીસે દરોડો પાડી રૂા.65.29 લાખની કિંમતનો 24 હજાર બોટલ વિદેશી દારૂ સાથે બાળ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બે વાહનો મળી રૂા.90.31 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા બૂટલેગર સહિત 10 શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ 31 ડીસેમ્બર પૂર્વે બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલમ કરવામાં આવતી હોવાની સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડોકટર ગીરીશ પંડયાને મળેલી માહિતીના આધારે જીલ્લામાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવા આપેલી સુચના પગલે ચોટીલા પોલીસ મથકના પી.આઈ. એચ.જી.ગોહીલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે બરવાળા તાલુકાના ખાંભડા ગામનો મુન્નાભાઈ અમકુભાઈ ખાચર નામનો બુટલેગર નાની મોલડી ગામની સીમમાં પીબી5એપી-8049 નંબરના ક્ધટેનરમાંથી વિદેશી દારૂનુ કટીંગ થતુ હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. હરપાલસિંહ ગોહીલ અને બી.એન.દિવાન સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.65.29 લાખની કિંમતની 24 હજાર બોટલ વિદેશી દારૂ સાથે બાળ આરોપીની ધરપકડ કરી રૂા.90.31 લાખનો મુદામાલ કબજે કર્યો છે.પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મુન્નાભાઈ ખાચરે મંગાવ્યનિયને અને રણજીત મુન્ના, કિશોર વિજા, વિશાલ કોળી, સુરેશ મારવાડી અને દારૂનો જથ્થો ઉતારનાર તેમજ મોકલનાર મળી 10 શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ચોટીલા દારૂનું પીઠું બન્યું : ચાર દિવસમાં 30 હજાર બોટલ પકડાઈ
ગઈકાલે ચોટીલા પોલીસે નાની મોલડી ગામેથી 24060 બોટલ દારૂ કબ્જે કર્યો છે. જયારે ગત 23 ડિસેમ્બરનાં રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નવાગામમાંથી દારૂ ભરેલું ક્ધટેનર ઝડપી લઇ શરાબની 5433 બોટલ કબ્જે કરી હતી. આમ ચાર દિવસમાં જ 30 હજાર બોટલ ઝડપાતા ચોટીલા દારૂનું પીઠું બનતું જતું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.