સૌની યોજનામાં સૌથી વધુ ૨૫૦ ફૂટ ઉંચાળવાળા વિસ્તારમાં પાણી પહોંચાડવાનો વિક્રમ

રાજકોટ શહેરના જળ વ્યવસ્થાપનના ઇતિહાસમાં સિમાચિહ્નરૂપ એવા આજી ડેમમાં નર્મદાના પાણીના વધામણા થવા જઇ રહ્યા છે. વાંકાનેર તાલુકાના ઝાલસીકા ગામ પાસે આવેલા મચ્છુ-૧ ડેમથી રાજકોટ તાલુકાના ત્રંબા ગામ સુધીની ૩૧ કિલોમિટર લાંબી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી આજી ડેમ સુધી પાણી પહોંચાડવાના મહાકાર્યમાં કેટલીક નોંધનીય બાબતો પણ બની છે. ૧૮ માસની મુદ્દતના આ પ્રોજેક્ટને માત્ર ૧૫૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારતભરમાં આટલી ઝડપથી કોઇ કામ થયું નથી. બીજી વિશેષ બાબત એ છે કે મચ્છુ ડેમથી ત્રંબા સુધી ૨૫૦ ફૂટ ઉંચાઇએ પાઇપલાઇન થકી પાણી લાવવામાં આવ્યું છે. મતલબ કે ત્રંબાથી ૨૫૦ ફૂટ નીચે આવેલા ઝાલસીકાથી પાણી લાવવામાં આવ્યું છે. સૌની યોજનામાં આ ઊંચાઇ સૌથી વધુ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સતત દેખરેખના કારણે સૌની યોજનાની લિંક ત્રણના બીજા તબક્કાનો આ પ્રોજેક્ટ સમય મર્યાદા કરતા વહેલા પૂર્ણ થયો છે.

આ યોજનાની વિગતો બહુ જ રસપ્રદ છે. તા.૨૫-૧૧-૧૬ના રોજ   રૂ. ૪૩૨ કરોડના કામનો ૧૦ ટકા ઓછા ભાવે રૂ. ૩૮૫ કરોડમાં ઠેકેદાર જે.એસ.આઇ.ડબલ્યુ.ને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. એ બાદ    તા.૨-૧૨-૧૬ના રોજ મુખ્યમંત્રી દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તા.૧૮-૧-૧૭ના રોજથી તાંત્રિક કામગીરી આરંભવામાં આવી હતી. જેમાં સર્વે, ક્વોલિટી એસ્યોરન્સ પ્રોસેસ સહિતની વિધિ કરવામાં આવી હતી. એ બાદ તા.૧૯-૬-૧૭ના રોજ ૧૨ મિટર લાંબો અને વજનમાં ૧૮ ટનનો એક એવો પ્રથમ પાઇપ લાવવામાં આવ્યો.

મચ્છુ-૧થી ત્રંબા સુધી કૂલ ૨૬૦૪ પાઇપ નાખવામાં આવ્યા. ૧૦ ફૂટનો વ્યાસ ધરાવતા આ પાઇપમાંથી મારુતિ ૮૦૦ કાર સડસડાટ કરતી ચાલી જાય ! પાઇપ લાઇન બનાવવામાં કૂલ ૪૪૨૬૮ ટન લોખંડ વપરાયું છે. આ પાઇપલાઇનની અંદર ફૂડગ્રેડ એપોક્સીનું કોટિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે પાણી પીવાલાયક બની રહે છે અને બહારની બાજું કાટપ્રતિરોધક થ્રી લેયર પોલીઇથિલિનનું કોટિંગ કરવામાં આવ્યું છે.

આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કામ બન્ને બાજુએથી શરૂ કરવા સૂચન કર્યું હતું. જેને પ્રતિસાદ આપતા પાઇપ લાઇન નાખવાની કામગીરી ૧૧ જગ્યાએથી શરૂ કરવામાં આવી હતી. પાઇપ લાઇન ફિટ કરવા માટે ૭૫ ટનની ક્ષમતા ધરાવતી ૧૩ ક્રેઇન, ૪૦ રોક બ્રેકર, એક ટીમમાં ૩૫ માણસો હોય એવી ૧૧ ટીમ વેલ્ડિંગ અને ફિટિંગ કરવા કામે લાગી હતી. આ ઉપરાંત ૫૦ સુપરવાઇઝરી સ્ટાફ અને ૧૫૦ બાંધકામશ્રમિકો પણ જોડાયા હતા.

આ પાઇપ લાઇન નાખવામાં એક નેશનલ હાઇવે, એક સ્ટેટ હાઇવે, બે આઇઓસીની પાઇપ લાઇન, એક જીએસપીસીની લાઇન અને બે પાણી પુરવઠા બોર્ડની લાઇનના ક્રોસિંગ કરવામાં આવ્યા છે. માર્ગોના ક્રોસિંગમાં પુશિંગ સિસ્ટમ અપનાવામાં આવી હતી. જેમાં માર્ગને તોડ્યા વિના નીચેથી લાઇન નાખવામાં આવી છે. રાજકોટ અને મોરબીના કૂલ ૧૨ ગામોમાંથી આ લાઇન પસાર થાય છે.

મચ્છુ ડેમ પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અહીં પ્રતિકલાક ૯૬ લાખ લિટર પાણી ફેંકી શકે એવા બે પમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પમ્પ ચલાવવામાં માટે જેટકો દ્વારા માત્ર બે જ માસમાં ૩૭૦૦ હોર્સપાવરના બે પમ્પ ચલાવવા ૧૦૦૦૦ કેવીએ ક્ષમતાનું વીજ જોડાણ આપવામાં આવ્યું. સામાન્ય રીતે દુરથી હાઇવોલ્ટેજ વીજજોડાણ આપવામાં એકાદ વર્ષ જેટલો સમય જતો હોય છે.

આ પ્રોજેક્ટ સંભાળતા સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ડી. જે. પંચાસરાએ કહ્યું કે ત્રંબાથી આજી ડેમ સુધી પાણી પહોંચ્યું તે પૂર્વે ૬ મોટા ચેકડેમો છલકાઇ ગયા છે. આ ઉપરાંત ત્રિવેણી ઘાટ અને વડાળી ગામના રસ્તા પાસેની પાંચ મોટી ખાણો પણ નર્મદાના પાણીથી ભરાઇ ગઇ છે. આ ખાણોમાં એક વર્ષ સુધી પાણી ખલાસ થાય તેમ નથી.

આ પાણી વહેતું આવ્યું એટલે ભુગર્ભ જળસપાટી ઉપર આવે તે પણ સ્વાભાવિક છે. ત્રંબા ઉપરાંત વડાળી, કાળીપાટ, થોરાળા, લાપસરી ગામોની જમીનમાં પાણીના તળ ઉચા આવવાની શક્યતા વધુ છે. આમ, સૌની યોજના થકી સૌરાષ્ટ્રનું આર્થિક અને સામાજિક ચિત્ર સોનેરી બનશે, એ નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.