વંથલી પાસે વિદ્યાર્થીઓની પ્રવાસી બે બસ અને કાર વચ્ચે સર્જાયેલ ત્રીપલ અકસ્માતમાં 24 વિદ્યાર્થીઓ સહિત કુલ 31 લોકો ઘાયલ થતા પ્રથમ વંથલી અને બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીની સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયેલ હોય અને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ તરફથી આવતી ખાનગી બસના ડ્રાઇવર એક્ટિવા ચાલકને બચાવવા જતા બસ ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં પ્રવાસી બસ સાથે ધડાકાભેર અથડાય
આણંદ પંથકની ખાનગી શાળાના 319 વિદ્યાર્થી, 19 શિક્ષકો સાથે છ બસમાં સોમનાથ દાદાના દર્શન આવ્યા’ત
જુનાગઢ – સોમનાથ નેશનલ હાઈવે પર વંથલીના દિલાવર નગર પાસે સાંજના 5:45 વાગ્યાના અરસામાં કાર તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓની પ્રવાસ બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસના ભુકા બોલી ગયા હતા અને બસના અવશેષો રોડ ઉપર આમતેમ રખડતા હતા, રોડ ઉપર કાચની રેલમ છેલ અને ઘવાયેલા બાળકોની વેદનાભરી ચિચયારીઓ તો હેબતાઈ ગયેલા વિદ્યાર્થીઓના રુદનથી આખો રોડ ભયંકર બની ગયો હતો. તે સાથે રોડ ઉપર સર્જાયેલા આ અકસ્માતથી વાહનોના ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.
જેમાંથી આણંદની આસોદર ગામની શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી રિયા હિતેશભાઈ પઢીયાર (ઉંમર વર્ષ 16) અને માધવપુર ગામના મુળુભાઈ વાસણ (ઉ.વ . 59) અને આજક ગામના નાથાભાઈ કાથળ (ઉ.વ. 30) ને માથામાં હેમરાજ જેવી ગંભીર ઈજા થતા રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતને નજરે નજરો જોનાર આણંદ જિલ્લાના આસોદર ગામની શાળાના આસિસ્ટન્ટ શિક્ષક હિતેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમની શાળાનો 319 વિદ્યાર્થીઓ અને 19 શિક્ષકો સાથેનો કુલ 6 બસમાં આસોદર ગામથી સોમનાથ દર્શન માટેનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. અને તેમની બસ સોમનાથ તરફથી જુનાગઢ આવી રહી હતી. ત્યારે જુનાગઢ તરફથી આવતી એક ખાનગી બસના ચાલકે એકટીવા ચાલકને બચાવવા છતાં તેમણે બસ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને તે બસ સીધી ડિવાઇડર કૂદીને બસ રોંગ સાઈડમાં તેમની બસ સાથે ધડાકાભૈર અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. જે બસમાં અકસ્માત નડ્યો હતો તેમાં 53 વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો બેઠા હતા, જેમાંની 11 વિદ્યાર્થીનીઓને ઈજા થઈ હતી.
સ્વામિનારાયણ ગુરૂકુળ રહેવા અને ભોજનની કરી વ્યવસ્થા
અકસ્માતમાં સામાન્ય ઇજાઓ થયેલ વિદ્યાર્થીઓ અને અકસ્માતથી ફસાઈ ગયેલા લોકોને વંથલીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાખવામાં આવ્યા હતા. તથા તેમના માટે ભોજનની વ્યવસ્થા પૂરી પડાઈ હતી. અને મોડી રાતે સુધી વિદ્યાર્થીઓ ગુરુકુળ ખાતે જ રહ્યા હતા. જો કે, આ અકસ્માતની જાણ થતાં પોરબંદરના બડેજ ગામના વિદ્યાર્થીઓના વાલીઓ વંથલી પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈ મોડી રાત્રીના રવાના થયા હતા.
જુનાગઢ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે રહ્યો
અકસ્માતની તંત્ર દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલને જાણ કરાતાની સાથે જ સુપ્રિટેન્ડોડન્ટ ડો. કૃપાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા હોસ્પિટલમાં ઇમરજન્સી વધારાના તબીબી અને નર્સિંગ સ્ટાફની સાથે સ્ટ્રેચર સહિતની સામગ્રી સજ્જ કરાવી લેવાઈ હતી અને હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા એક પછી એક એમ્બ્યુલન્સ માંથી ગવાયેલા વિદ્યાર્થીઓને સારવાર પૂરી પાડી હતી.
અકસ્માતમાં 108 અને પોલીસની પ્રશંસનીય કામગીરી
વિદ્યાર્થીઓની પ્રવાસી બસના અકસ્માતમાં વંથલી પોલીસ અને 108 ની કામગીરી પ્રશંસનીય રહેવા પામી હતી. વંથલી પી.એસ.આઈ. વાય.બી. રાણા આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ઈજા ગ્રસ્ત વાહનોના કારણે નેશનલ હાઇવે બ્લોક થઈ જતા તાત્કાલિક ક્રેનને બોલાવી રસ્તો પૂર્વત કર્યો હતો. આ સાથે 108 ની પાંચ એમ્બ્યુલન્સ પણ માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી અને ઘવાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.
માનવતા મહેકી ઉઠી, સ્થાનિકો મદદે દોડી આવ્યા
અકસ્માતમાં વંથલીના સ્થાનિક લોકો એ પણ ખૂબ જ કરુણા સાથે સેવા આપી હતી. અને અકસ્માત્ર સર્જાયાની સાથે જ અકસ્માત ગ્રસ્ત લોકોને બહાર કાઢી તેમને સાંત્વના પાઠવવામાં આવી હતી, તથા તંત્રને પણ સ્થાનિક લોકોએ ભારે મદદ કરી હતી.