ગત વર્ષે કોરોના કાળને કારણે આખા વર્ષમાં માત્ર 6320 લોકોએ કરાવ્યું હતું મેરેજ રજીસ્ટ્રેશન: 60 યુગલોએ છૂટાછેડા પણ લીધા
રાજ્યમાં કોરોનાનો કહેર હળવા થતાંની સાથે જ હવે લગ્નગાળો પૂરજોશમાં ખીલી ઉઠ્યો છે. લોકો શુભ મુહુર્ત જોવાના બદલે હવે કમૂરતામાં પણ લગ્ન કરતા થયાં છે. છેલ્લા સાડા ચાર માસમાં 3077 યુગલોએ એક જવાબદાર નાગરિક તરીકે લગ્નની નોંધણી કરાવી હોવાનું કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યાં છે. સૌથી વધુ મેરેજ રજીસ્ટ્રેશન માર્ચ મહિનામાં થયું હતું.
વર્ષ-2021માં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 6320 લોકોએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં નોંધણી ફી, નકલ ફી અને તપાસની ફી પેટે કોર્પોરેશનને 3,12,320 રૂપિયાની આવક થવા પામી હતી. ગત વર્ષે માર્ચ અને એપ્રીલમાં કોરોનાનો વ્યાપક પ્રમાણમાં કહેર જોવા મળ્યો હતો. જેના કારણે એપ્રિલ માસમાં માત્ર 302 અને મે માસમાં ફક્ત 231 યુગલોએ જ લગ્નની નોંધણી કરાવી હતી. જ્યારે જાન્યુઆરીમાં 718, ફેબ્રુઆરી 670, માર્ચમાં 785, જૂનમાં 594, જુલાઇમાં 627, ઓગષ્ટમાં 984, સપ્ટેમ્બરમાં 421, ઓક્ટોબરમાં 427, નવેમ્બરમાં 307 અને ડિસેમ્બરમાં 652 સહિત કુલ 6320 યુગલોએ લગ્ન નોંધણી કરાવી હતી. જ્યારે ગત વર્ષે 101 યુગલોએ છૂટાછેડા લીધા હતા.
આ વર્ષે કોરોનાનો કહેર સં5ૂર્ણપણે ઘટી ગયો છે. જેના કારણે લગ્નગાળો પણ પૂરજોશમાં ખીલ્યો છે. જાન્યુઆરીથી લઇ આજસુધીમાં 3077 લોકોએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં જાન્યુઆરી માસમાં 662, ફેબ્રુઆરી માસમાં 683, માર્ચમાં સૌથી વધુ 918, એપ્રીલમાં 762 અને મે માસના પ્રથમ પખવાડીયામાં 52 લોકોએ લગ્ન નોંધણી કરાવી છે. નોંધણી ફી, નકલ ફી અને તપાસણી ફી પેટે કોર્પોરેશનને રૂ.1.61 લાખની આવક થવા પામી છે. કોરોના બાદ લોકોની વિચાર સરણીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અગાઉ કમૂરતા કે હોળાષ્ટકમાં લોકો સારા પ્રસંગોની ઉજવણી કરતાં ન હતા પરંતુ હવે કમૂરતા પણ લગ્ન થઇ રહ્યા છે. જેની નોંધણી મહાપાલિકાની આરોગ્ય શાખામાં થઇ રહી છે.