સામાન્ય શરદી ઉધરસના ૧૭૪, ઝાડા-ઉલ્ટીના ૯૨ કેસો નોંધાયા: ડેન્ગ્યુ અને સ્વાઈનફલુ ગાયબ

ઉનાળાના કાળઝાળ તડકામાં પણ રોગચાળો ઘટવાનું નામ લેતો નથી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના ૩૦૪ કેસો નોંધાયા છે. જયારે સતત ત્રીજા સપ્તાહે શહેરમાં સ્વાઈનફલુનો એક પણ કેસ નોંધાયો નથી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૧૭૪, ઝાડા-ઉલ્ટીના ૯૨, ટાઈફોઈડના ૨, મરડાના ૬, કમરાના ૩ અને અન્ય તાવના ૨૭ કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૯૨૩૨ ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૮૦૮ ઘરોમાં ફોગીંગ કરાયું હતું.

૨૬૮ સ્થળોએ મચ્છરની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરી ૭૧ આસામીઓને મચ્છરોની ઉત્પતિ સબબ નોટીસ ફટકારવામાં આવી હતી. જયારે ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૪૪ રેકડી, ૧૮ દુકાન, ૧૬ ડેરી, ૧૭ રેસ્ટોરન્ટ, ૮ બેકરી સહિત ૧૦૩ સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ૧૦ સ્થળોએથી નમુના લેવામાં આવ્યા હતા અને ૪૬ લોકોને નોટીસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.