કોરોના સામેનું આયોજન સચોટ પૂરવાર
ઓગષ્ટની શરૂઆત સુધીમાં ૫ હજાર બેડ થશે: ડો. વિનોદ રાવ
હાલમાં વડોદરા શહેર જિલ્લામાં કોવિડના રોગચાળાને અટકાવા આગોતરા આયોજન પ્રમાણે કોવિડના દર્દીઓ માટે પથારીની સંખ્યા વધીને ૩ હજાર થઈ છે. અને ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં આ સુવિધા વધીને ૫ હજાર થશે તેમ વડોદરામાં ખાસ ફરજ પર મૂકાયે અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતુ
વડોદરા શહેર જિલ્લા માટેનો કોવીડ મેનેજમેન્ટ પ્લાન અત્યાર સુધી ખૂબ સફળ રહ્યો છે એવી લાગણી વ્યક્ત કરતાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે, હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ ના દર્દીઓ માટે એક પણ પથારી ખાલી નથી એ સમાચાર સાચા નથી અને નાગરિકોમાં ડર અને ગભરાટ પેદા કરનારા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગોતરા આયોજન પ્રમાણે આજથી આપણી બેડ કેપેસિટી વધીને ૩,૦૦૦ પથારીની થઈ છે અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં તે વધીને ૫,૦૦૦ના આંકે પહોંચી જશે.
આપણે એપ્રિલની મધ્યમાં સંભવિત પરિસ્થિતિના અંદાજ અને તેની સામે જે આયોજન કર્યુ હતું, એ અત્યાર સુધીમાં લગભગ સચોટ પૂરવાર થયું છે. પથારીઓની સંખ્યા વધારવાની સાથે તેની સાથે પ્રમાણસર આઇ.સી.યુ.અને વેન્ટિલેટર બેડ્સની સંખ્યા પણ વધારવામાં આવે છે.
હાલમાં વડોદરાની બહારના ૨૧૨ સહિત કુલ ૧,૩૮૮ દર્દીઓ વિવિધ દવાખાનાઓમાં સારવાર હેઠળ છે.
ઉમદા સારવાર સેવાઓ મળતી હોવાથી અમદાવાદ, સુરત,ભરૂચ, આણંદ, ખેડા, ગોધરા, મહિસાગર, દાહોદ અને નર્મદાના દર્દીઓ આપણે ત્યાં હાલમાં સારવાર હેઠળ છે. વડોદરા શહેર અને જિલ્લાના કુલ દાખલ દર્દીઓની સંખ્યા હાલમાં ૧,૧૭૫ છે.