સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત
દ્વારકામાં કલેક્ટર અશોક શર્મા, પ્રવાસન નિગમના એમ.ડી.ડો.સૌરભ પારધીએ સ્થળોના દર્શનની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હેઠળ તમિલનાડુના બાંધવોને આવકારવા માટે લોકોના ઉત્સાહ સાથે સૌરાષ્ટ્રમાં તૈયારીઓ થઈ રહી છે જેમાં દેવભૂમિ દ્વારકામાં દરરોજ 300 મહેમાનોને આવકારવા અને વિવિધ સ્થળોના દર્શન માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર અશોક શર્મા, પ્રવાસન નિગમના એમ.ડી ડો. સૌરભ પારઘીએ આજે દ્વારકા ની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને તમિલ સંગમ ના કાર્યક્રમને લઈને માર્ગદર્શન આપી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.
સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે સાંસ્કૃતિક એક્ય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 1300 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોકોએ હિજરત કરી હતી. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત સાથે નાતો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના ગૌરવ સાથે સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ અને પ્રવાસન તીર્થ સ્થળોના વિકાસ સાથે ભારતના વિવિધ વિસ્તારો વચ્ચે રહેલી સાંસ્કૃતિક એકતાના અનુબંધો ઉજાગર થઈ રહ્યા છે.
તમિલનાડુમાં વસતા તમિલ બાંધવોને આવકારવા દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સોમનાથના બે દિવસના પ્રવાસ બાદ તા.19ના રોજ બપોરે તમિલનાડુના મહે માનો દ્વારકા આવશે. દ્વારકામાં પરંપરાગત રીતે સ્વાગત તેમજ દ્વારકાધીશ ભગવાનના દર્શન, રુકમણી માતાજીના મંદિરે દર્શન નાગેશ્વર દર્શન તેમજ શિવરાજપુર બીચ ખાતે વિવિધ રમતો માં સહભાગી બનશે. આ ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે.
દરરોજ સોમનાથ થી દ્વારકા 10 બસમાં 300 મહેમાનો આવશે અને તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાત્રે ટ્રેનમાં મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થશે. મહેમાનોને સગવડતા અનુકૂળતા મળી રહે માટે વિવિધ કચેરીઓ ના સંકલન સાથે જિલ્લા વાવીટી તંત્ર અને પ્રવાસન નિગમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.તા.28 સુઘી વિવિધ કાર્યક્રમ યોજાશે.
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પણ સ્થાનિક પ્રશાસનને આ કાર્યક્રમની તૈયારી, વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી અધિકારીઓની મિટિંગમાં અધિક કલેક્ટર ભુપેશ જોટાણીયાએ મહેમાનોના ટુર શેડ્યુલ અને કરાઈ રહેલી વ્યવસ્થા અંગેની માહિતી આપી હતી. મીટીંગમાં ડીડીઓ એસ.ડી .ધાનાણી, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપી સમીર શારડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.