ત્રણ રાજ્યોની સરહદ ઉપર નેટવર્કનું જમ્પિંગ ગુનેગારો માટે સ્વર્ગ!!
મેગા ઓપરેશનમાં હથિયારો, વાહનો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, બનાવટી દસ્તાવેજો, બેંક સંબંધિત કાગળો સહિત મોટી સંખ્યામાં વાંધાજનક વસ્તુઓ જપ્ત
અત્યાર સુધીના સૌથી મોટા સંગઠિત દરોડામાં હરિયાણા પોલીસે ઉત્તર પ્રદેશ-રાજસ્થાન અને હરિયાણા સરહદ પર નૂહ મેવાતના 14 ગામોમાંથી સાયબર ક્રાઇમમાં સામેલ 125 હેકર્સ અને સાયબર ઠગની ધરપકડ કરી છે. હરિયાણાના ’જામતારા’ તરીકે ઓળખાતા નૂહ-મેવાતમાં, 5000 થી વધુ પોલીસકર્મીઓ અને હરિયાણા પોલીસના અધિકારીઓની 100 થી વધુ અલગ-અલગ ટીમોએ એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. હરિયાણા પોલીસને નૂહ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ સાયબર ફ્રોડ રેકેટ સંબંધિત અનેક ઇનપુટ મળ્યા હતા.
નૂહની દરેક ટોળકી અનેક રાજ્યોના લોકોના બેંક ખાતાઓ લૂંટી રહી છે. ઇનપુટ્સના આધારે પ્લાનિંગ કર્યા પછી અને સાયબર ફ્રોડના હોટસ્પોટ્સની ઓળખ કર્યા પછી હરિયાણા પોલીસે વિવિધ ટીમો બનાવીને એક સાથે મોટા સંગઠિત દરોડા પાડ્યા હતા. એક એસપી, 6 એડિશનલ એસપી, 14 ડીએસપી સહિત લગભગ 5,000 પોલીસકર્મીઓની ટીમે મોડી રાત સુધી ઓપરેશન હાથ ધર્યું હતું.
24 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં પોલીસ દળને બ્રિફિંગ અને વિવિધ લક્ષ્યો પર દરોડા પાડવાનો સમાવેશ થતો હતો. હરિયાણાના પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમાર અગ્રવાલની સૂચના પર એડીજીપી દક્ષિણ રેંજ રેવાડી એમ રવિ કિરણ, ડીઆઈજી એસટીએફ સિમરદીપ સિંહ અને એસપી નુહ વરુણ સિંગલાએ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. નુહના એસપી સિંગલાએ જણાવ્યું કે 4 એપ્રિલથી 8 એપ્રિલ સુધી સાયબર ટ્રેનિંગ પ્રોગ્રામ પછી સાયબર છેતરપિંડી વિરુદ્ધ આ વિશેષ ઓપરેશનનું ગુપ્ત આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરોડા દરમિયાન હરિયાણા પોલીસે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના વોન્ટેડ જયવંતના રહેવાસી ઈનામી ગુનેગાર સાબીર ઉર્ફે ભુટ્ટુને ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડ્યો હતો. સાબીર ઉર્ફે ભુટ્ટુ પર લૂંટ અને વાહનોની ચોરી સહિતના 3 ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે અને તેના પર 10,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.ઓપરેશન નૂહ-મેવાત દરમિયાન પકડાયેલા ઘણા બદમાશો અન્ય રાજ્યોની ગેંગ સાથે પણ સંકળાયેલા છે.
પોલીસ તેમની ઘટનાના ઇતિહાસની તપાસમાં વ્યસ્ત છે. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસ ટીમે હથિયારો, વાહનો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, બનાવટી દસ્તાવેજો અને બેંક સંબંધિત કાગળો સહિત મોટી સંખ્યામાં વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી હતી.