ટૂંક સમયમાં નોન એસી ટ્રેનોનું ઓનલાઈન બુકિંગ થશે શરૂ
કોરોનાને લઈ જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા યાત્રિકોને સવલત અને રાહત મળી રહે તે માટે ૧લી જુનથી રેલવે વધુ ૨૦૦ નોન એસી ટ્રેનો દોડાવશે જે અંગેની ઓનલાઈન ટીકીટ બુકિંગ ટુંક સમયમાં જ શરૂ થશે તેવી વિગતો પણ સામે આવી રહી છે અને આ ટ્રેનો અંગેનાં ટાઈમ-ટેબલ પણ આવનારા સમયમાં જાહેર કરાશે. રેલમંત્રી પિયુષ ગોયલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૯ દિવસમાં પરપ્રાંતિય લોકોને વિશેષ ટ્રેનો મારફતે તેમનાં રાજયોમાં પહોંચાડવામાં આવ્યા છે. તેઓએ રાજય સરકારને અપીલ કરતા પણ જણાવ્યું હતું કે, તેઓ પ્રવાસી શ્રમિકોની નોંધણી કરે અને રેલવે મંત્રાલયને તે અંગેની યાદી પણ પહોંચાડે.
રેલવે મંત્રાલય દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શ્રમિકો માટે વિશેષ ટ્રેનો ચલાવવા અંગે રાજયો પાસેથી મંજુરી લેવાની જરૂર નથી. આ અગાઉ ગૃહ મંત્રાલયે વિસ્થાપિતોને તેમનાં ઘરે પહોંચાડવા માટે ટ્રેનોને ચલાવવાની માંગ કરી હતી. હાલ પિયુષ ગોયલનાં જણાવ્યા મુજબ સૌથી વધારે ઉત્તરપ્રદેશ માટે ૮૩૭ ટ્રેનોને મંજુરી આપવામાં આવી છે. આ અગાઉ રેલમંત્રી પિયુષ ગોયલે ટવીટરમાં જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને છતિસગઢને ટ્રેનની મંજુરી આપવાની બાબતે ઘણી પાછળ છે. ૧લી મેથી રેલવે ૧૫૬૫ પ્રવાસી ટ્રેનો ચલાવી હતી જેમાં ૨૦ લાખથી વધુ પ્રવાસીઓને તેમનાં વતન પહોંચાડયા હતા ત્યારે જે પરપ્રાંતિય લોકો હજુ સુધી તેમના વતન પહોંચી શકયા નથી તેઓને તેમના વતન પરત મોકલવા માટે અન્ય ૨૦૦ નોન એસી ટ્રેનો દોડાવવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે જે ૧લી જુનથી શરૂ થશે.
અગાઉ આ ટ્રેનો રાજય સરકારની માંગ પર ચાલતી હતી ત્યારે આ દરમિયાન ગૃહમંત્રાલયની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. કોચમાં યાત્રિઓને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે બેસાડવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકોનું ઘરમાં જ સ્ક્રીનીંગ કરવામાં આવે છે જયારે બીજી તરફ વતન પહોંચ્યા બાદ તમામ શ્રમિકો ૧૪ દિવસ કવોરોન્ટાઈન કર્યા બાદ તેઓને ઘેર મોકલવામાં આવે છે. જે લોકો અન્ય રાજયમાં જઈ કામ કરી રહ્યા છે તેમને વતન પરત લાવવા માટે રાજય સરકાર કેન્દ્રને ભલામણ કરી અનેકવિધ ટ્રેનો દોડાવવાની માંગ પણ કરી છે જે સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા સુવિધા પણ આપવામાં આવી છે પરંતુ હજુ દેશમાં ઘણાખરા વિસ્થાપિત લોકો છે કે જે હજુ સુધી તેમનાં વતન પહોંચી શકયા નથી ત્યારે તેઓને તેમના વતન પરત કરવા સરકાર દ્વારા ૨૦૦ નોન એસી ટ્રેનો ૧લી જુનથી દોડાવવામાં આવશે.