ગોલ્ડન કોરીડોર ‘સોનાનો ટૂકડો’ બની જશે

ધોલેરામાં ૭૦૦ મેગાવોટ સોલાર પાવરના ઉત્પાદન માટે પણ કવાયત: ૧૧૦ કિ.મી.નો ફોરલેન એકસ્પ્રેસ-વે પ્રોજેકટ પુરો કરવા બે વર્ષનો સમય લાગશે

ગુજરાતના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે દુરંદેશીથી લીધેલો ગોલ્ડન કોરીડોરનો નિર્ણય ખુબજ મહત્વનો સાબીત થયો છે. જેના અનુસંધાને રાજ્યની વિકાસગાથાને આગળ વધારવાના હેતુથી આગામી સમયમાં અમદાવાદ-ધોલેરા હાઈવેનું કામ શરૂ થશે. આ પ્રોજેકટ રૂા.૩૫૦૦ કરોડનો છે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ઝોન માટે આ હાઈવે પ્રોજેકટ ખુબ મહત્વનો સાબીત થશે. ૧૧૦ કિ.મી.ના ફોર લેન એકસપ્રેસ-વેનો પ્રોજેકટ ૨૪ મહિનાની અંદર પૂરો થઈ જશે. એક તરફ સૌરાષ્ટ્ર માટે કલ્પસરથી પાણી પ્રશ્ર્ન દૂર થશે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ત્રીજી તરફ કોસ્ટલ વિકાસના કારણે દેશમાં વિકાસ કાર્યોની હારમાળા સર્જાશે.

ગુજરાત સરકારે દાયકા જૂના અમદાવાદ-ધોલેરા ફોર-લેન એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટના વિકાસ કાર્યો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. રૂપિયા ૩૫૦૦ કરોડ અમદાવાદ-ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટીમેન્ટ રિઝનના રોડ માટે નક્કી કરાયા છે અને ટૂંક સમયમાં જ તેનું કામ શરૂ થઈ જશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે એસઆઈઆરમાં ૭૦૦ મેગાવોટના સોલવ પાવર જનરેશનના કામને પણ મંજૂરી આપી દીધી છે. ચોમાસા બાદ પાવર જનરેશન અને એક્સપ્રેસ-હાઈવેના ૮૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટનું કામકાજ શરૂ થઈ જશે. ૧૧૦ કિલોમીટર લાંબો ચાર લેનનો હાઈવે પ્રોજેક્ટ ૧૮થી૨૪ મહિનામાં પૂરો થવાનો અંદાજ છે.

મુખ્યમંત્રી અને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ ધોલેરા જઈંછ પ્રોજેક્ટની દેખરેખ કરી રહ્યા છે. તેઓ કહે છે, જમીન સંપાદનનું પડકાર રૂપ કામ પૂરું થઈ ગયું છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ સમાપ્ત થઈ ગઈ છે. તેઓ કહે છે, એક્સપ્રેસ પ્રોજેક્ટ માટે ૩૫૦૦ કરોડ ફાઈનલ કરાયા છે. એનએચએઆઈ અને ગુજરાત સરકાર ચોમાસા બાદ કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે કરતા પણ વધુ એડવાન્સ ફીચર્સ હશે.

તેઓ કહે છે, એસઆઈઆરમાં રૂપિયા ૩૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ફોર-લેન એક્સપ્રેસવેથી આગામી દિવસોમાં વધુ રોકાણ અહીં થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે ધોલેરામાં પાછલા અઠવાડિયે ૭૦૦ મેગાવોટના પાવર જનરેશન કામને પણ મંજૂરી આપી હતી. જે બાદ અહીં વધુ ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવનાઓ બને છે. એક્સપ્રેસવે અને પાવર જનરેશન પ્રોજેક્ટ સાથે મળીને એસઆઈઆરમાં વધારે રોકાણકારોને આકર્ષશે.

કલ્પસર યોજના માટે સરકારે અનેક અભ્યાસ હાથ ધર્યા બાદ તબક્કાવાર યોજના માટે આગળ વધવાનું નક્કી કર્યું હોય તેવું ફલીત થાય છે. સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન તો પૂરો થઈ જશે તેની સાથે જ માર્ગ પરિવહનમાં પણ કલ્પસર યોજના ઉપર બનનારો બ્રિજ મહત્વનો ભાગ ભજવશે.

દેશના ટોચના ૩૦ શહેરોની આર્થિક પ્રવૃતિને સરળતાથી જોડી દેવા ધોરી-માર્ગો વિકસાવવાનું નક્કી થયું હતું. સાઉથ અને વેસ્ટ કોરીડોર શરૂ કરવામાં છેક વાજપેઈના શાસનથી તૈયારીઓ થઈ હતી. કલ્સ્ટર ઝોન વિકસાવવાથી વિદેશી તેમજ સ્થાનિક મુડી રોકાણો ખેંચાઈ આવ્યા હતા.

ધોલેરા એરપોર્ટના વિકાસ માટેની કામગીરી પણ ટૂંક સમયમાં

રાજ્ય સરકારે દાયકા જૂના અમદાવાદ-ધોલેરા ફોરલેન એકસપ્રેસ હાઈવેની સાથો સાથ ધોલેરાના એરપોર્ટના વિકાસ માટે પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝન (એસઆઈઆર) માટે અત્યાધુનિક રોડ-રસ્તાની જેમ એરપોર્ટ પણ મહત્વનો ભાગ ભજવશે. ટૂંક સમયમાં ધોલેરા એરપોર્ટના વિકાસનું કામ શરૂ થશે તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે. આગામી સમયમાં ધોલેરા એસઆઈઆરમાં વધુને વધુ મુડી રોકાણ આવશે તેવી અપેક્ષા પણ સેવાઈ રહી છે. ગોલ્ડન કોરીડોરના કારણે ધોલેરા અને આસપાસના વિસ્તારોમાં વિકાસ કાર્યોની હારમાળા સર્જાશે. ઔદ્યોગીકરણના પ્રયાસમાં ધોલેરા એરપોર્ટ પણ મહત્વનું પાસુ બનશે. ગુજરાત સહિત દેશના આર્થિક નકશામાં ધોલેરા પોર્ટને મલ્ટીનેશનલ કંપની માટે સાનુકુળ બનાવવા આ એરપોર્ટ મહત્વનો ભાગ ભજવશે.

ગોલ્ડન કોરીડોરના કારણે ધોલેરા વિકાસ માટે મહત્વનું પાસુ બનશે

ઔદ્યોગીક વસાહતોના આધારે આર્થિક વિકાસની રાજ્ય સરકારની નીતિ એકંદરે ફળી છે. ગોલ્ડન કોરીડોર દેશમાં ઔદ્યોગીક એકમો માટે હુકમનો એક્કો સાબીત થયું છે. વિદેશી મુડી રોકાણને આકર્ષવા માટે ગોલ્ડન કોરીડોરનો વિકાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રની સાથો સાથ રાજ્ય સરકારે પણ ગોલ્ડન કોરીડોર માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. વાહનોને કોઈપણ અડચણરૂપ અવર-જવર વગર સરળતાથી પહોંચવામાં મદદ મળે તે માટેના ઈન્ફાસ્ટ્રકચર ઘડવામાં આવ્યા હતા.

કલ્પસર-ભાડભૂત બેરેજ યોજના સહિતના પ્રોજેકટના મીઠા ફળ ચાખવા મળશે

સૌરાષ્ટ્રના પ્રાણ પ્રશ્ર્ન સમાન પાણીનો પ્રશ્ર્ન ઉકેલવા કલ્પસર યોજના સક્ષમ છે. આ યોજનાને આગળ વધારવા માટે તાજેતરમાં રાજ્ય સરકારે રૂા.૪૩૫૦ કરોડના ખર્ચે અત્યંત મહત્વકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાને શરૂ કરી છે. આ યોજનાથી ભૂગર્ભ જળની ગુણવત્તા તો સુધરશે જ ઉપરાંત કલ્પસર યોજના માટે પણ એક ડગલુ આગળ વધાશે. ભરૂચ જિલ્લામાં ભાડભૂત ગામ નજીક નર્મદા નદીની બન્ને બાજુએ પાણીથી રક્ષણ માટે ભાડભૂત યોજના તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.