ટ્રક માલિકને શંકા જતા ઈન્શ્યોરન્સ ઓફિસે તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું: ભેજાબાજ શખ્સ પીડીએફ ફાઈલને સોફટવેર મારફતે ખોટા વાહન નંબર અને નામ સહિતની વિગતો ભરી છેતરપિંડી કરતો હતો
રાજકોટમાં આરટીઓ એજન્ટ દ્વારા ભુતકાળમાં બોગસ ટ્રાફિક દંડની રસીદ બનાવી કૌભાંડ આચરવામાં આવતું હોવાથી એસઓજીની ટીમે કૌભાંડ ઝડપી લઈ આરટીઓ એજન્ટની ધરપકડ કર્યાની ઘટના લોકો હજુ ભુલ્યા નથી ત્યારે શહેરમાં વાહનોની બોગસ વિમા પોલીસી બનાવ્યાનું વધુ એક કૌભાંડ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની વિગત મુજબ ૮૦ ફુટ રોડ પર આવેલી માસ્તર સોસાયટીમાં રહેતા અને ગોડીજીટ જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડની રાજકોટ બ્રાન્ચમાં રૈયા ટેલીફોન એકસચેન્જની બાજુમાં આવેલ આકૃતિ બીગમાં ઓફિસમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા નિકુંજ મહેશભાઈ શુકલ નામના વિપ્ર યુવાને ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી છે કે હરેશ ઉકા લાવડીયા નામના શખ્સે ટ્રક માલિક પાસેથી રૂા.૩૦ હજાર રોકડા લઈ તેઓને બનાવટી વિમા પોલીસી આપી હોવાની ફરિયાદના પગલે પીએસઆઈ, પી.એ.ગોહિલએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
ડેપ્યુટી મેનેજર નિકુંજભાઈએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ તા.૨૭/૧૧/૧૯ના તેઓની ઓફિસે સવસીભાઈ નામના એક વ્યકિત પોતાના ટ્રક નંબર જી.જે.૩ બી.ટી.૧૪૮૬ની વિમા પોલીસી લઈ આવ્યા હતા અને પોતાને આ પોલીસી નકલી હોવાની શંકા દર્શાવી ખરાઈ કરવા ઓફિસે આવ્યા હતા. પોલીસી કોમ્પ્યુટરમાં ખરાઈ કરતા પ્રથમ તો આ વિમા પોલીસી ટ્રકના બદલે ટુ વ્હીલરની હોવાનું ખુલ્યું હતું ત્યારે ઈન્સ્યોરન્સ કંપનીના જવાબદાર અધિકારીઓએ સવશીભાઈને આ પોલીસી કોની પાસેથી લીધી તે અંગે તપાસ કરતા તેઓએ ૩૦ હજાર રોકડા આપી આ પોલીસી લાવડીયા હરેશ ઉકાભાઈ (રહે.માનસ એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ)વાળા પાસેથી લીધી હોવાનું જણાવતા તેઓએ હરેશ લાવડીયાને ઓફિસ પર બોલાવ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા લાવડીયા હરેશએ કબુલાત આપી હતી કે, તેઓએ લેપટોપની મદદથી પીડીએફ ફાઈલને ક્ધવર્ટર સોફટવેર મારફતે ખોટા વાહન નંબર તથા માલિકનું ખોટુ નામ સહિતની તમામ વિગતો ખોટી નાખી તારીખો બદલાવી બોગસ વિમા પોલીસી બનાવી સવસીભાઈને આપી હોવાની કબુલાત આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવના પગલે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ આર.એસ. ઠાકરની સુચનાથી પીએસઆઈ પી.એ. ગોહિલએ લાવડીયા હરેશ સામે ગુનો નોંધી ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.