વોર્ડ નં.9માં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર
અલગ-અલગ સોસાયટીઓના આગેવાનો દ્વારા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા કલેક્ટર, મ્યુનિ.કમિશનરને આવેદન અપાયું
શહેરના વોર્ડ નં.9માં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી પાલ્મ યુનિવર્સ સામેના કોર્પોરેશનના 2537 ચો.મીટરના પ્લોટ પર ટીપરવાનનું પાર્કિંગ સ્ટેશન અને વોશિંગ સ્ટેશન બનાવવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા કરવામાં આવ્યા બાદ 30 સોસાયટીઓના રહેવાસીઓમાં વિરોધ-વંટોળ ફાટી નીકળ્યો છે. પોશ વિસ્તારમાં ટીપરવાનનું પાર્કિંગ સ્ટેશન ન બનાવવાની માંગ સાથે આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર, જિલ્લા કલેક્ટર અને શહેર ભાજપ પ્રમુખને 30 સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી પાલ્મ યુનિવર્સ સામે ટીપરવાન પાર્કિંગ અને વોશિંગ સ્ટેશન બનાવવાના કોર્પોરેશનના નિર્ણય સામે પાલ્મ યુનિવર્સ, નંદગાવ, માતૃ વસુંધા, સિલ્પન ઓનેક્સ, નંદ એમ્પાયર, નંદ દર્શન, સિલ્પન આઇકોન, નંદ હાઇટ્સ, નંદ નિકેતન, નંદકુંજ, નંદ વિલેજ, સોપાન હેબીટેટ, વસંત શિપ્ફોની, અતુલ્યમ, અતુલ્યમ ઇલાઇટ, સિલ્પન નોવા, પાલ્મ સિટી, સાંઇ દર્શન, વસંત વિહાર, આઇકોન ગોલ્ડ, ઓપેક પ્રાઇમ, શ્રી વલ્લભ સોસાયટી, નંદ ભૂમિ, ગીરીરાજ રેસિડેન્સી, વીવાન્તા અનંતા, કેરેલા પાર્ક, શ્યામલ વાટિકા, બ્લૂ ડાયમંડ અને આઇકોન સિલ્વર સોસાયટીના લત્તાવાસીઓએ વિરોધ નોંધાયો હતો.
આજે અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે જો ઉક્ત સ્થળે ટીપરવાનનું પાર્કિંગ સ્ટેશન અને વોશિંગ સ્ટેશન બનાવવામાં આવશે તો લોકોના આરોગ્ય સામે જબ્બરો પડકાર ઉભો થશે. ટીપરવાનની સફાઇ દરમિયાન મચ્છરોના ઉપદ્રવનો પણ ભય રહેલો છે.
આ વિસ્તારમાં 30 થી વધુ સોસાયટીઓ આવેલી છે. મુખ્ય રોડ હોવાના કારણે સતત વાહનોની અવર-જવર રહે છે. જો સ્ટેશનનું નિર્માણ થશે તો ટ્રાફિકની સમસ્યા પણ વધુ વકરશે. રૈયા વિસ્તારનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પણ આ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે. કારણ કે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરથી સ્માર્ટ સિટી તરફ જઇ શકાય છે. આ તમામ બાબતોને ધ્યાન લઇ આ વિસ્તારમાં ટીપરવાનનું પાર્કિંગ સ્ટેશન અને વોશિંગ સ્ટેશન ન બનાવવા માટે માંગણી કરવામાં આવી છે.