ઉચ્ચ ડિગ્રી ધારકો સેવા આપવા માટે જોડાયા
તીર્થભૂમિ સારંગપુર સ્થિત બીએપીએસ સારંગપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ફુલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહોત્સવના મુખ્ય આકર્ષણરૂપ કલાત્મક મંચને તૈયાર કરવા સેંકડો સંતો-ભકતો રાત-દિવસ અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે.
ભગવાન સ્વામિનારાયણના સમયથી પરંપરાગત રીતે ઉજવાતો આ ઉત્સવ પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઉજવાશે. હજારો હરિભકતો આ ઉત્સવ સમૈયાનો લાભ લેશે ત્યારે તેમની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દુરસુદુરથી પધારેલા હજારો સ્વયંસેવકો સમર્પણના ભાવ સાથે સેવાકાર્યમાં જોડાયા છે. આ ઉત્સવ દરમિયાન ૩૦ જેટલા સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. જેમાં સારંગપુર સંત તાલીમ કેન્દ્રના સુશિક્ષિત સંતોના માર્ગદર્શન હેઠળ સર્વે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે.
અહીંયા સ્વયંસેવકોને પોતાનામાં જે આવડત કૌશલ્યો હોય તે મુજબ અલગ-અલગ વિભાગોમાં સેવામાં જોડાય છે. છેલ્લા એક મહિનાથી સારંગપુરની આજુબાજુનાં વિસ્તારમાંથી હરિભકતો રોજ સેવા કરવા પધારે છે. આ સ્વયંસેવકો પોતાના નોકરી ધંધામાંથી સમય કાઢીને કોઈ પણ અપેક્ષા વિના ટાઢ તડકો રાત દિવસ જોયા વગર કેવળ નિ:સ્વાર્થભાવે સેવા કરે છે. સારંગપુરની આજુબાજુ બોટાદ અને બરવાળા પંથકના અનેક ગામોનાં હરિભકતોએ બહારગામથી પધારનાર ભકતોની વ્યવસ્થા માટે પોતાના ઘર આપ્યા છે.
વળી કેટલાય હરિભકતોએ પોતાના વાહનો સમૈયાની સેવામાં આપ્યા છે. મુળ અમેરિકાના વતની અને સાઈકોલોજીસ્ટ થયેલા એવા પૂ.વત્સલમૂર્તિ સ્વામી શૌચાલય સફાઈની સેવા કરે છે. જીઈબીમાં ઉચ્ચપદવી અને સારો પગાર ધરાવતા એક હરિભકત સમૈયા દરમિયાન ડ્રાઈવર તરીકે સેવા કરે છે. સાથે સાથે ૧૫થી વધુ એમ.ડી., એમબીબીએસ ડોકટરો સમૈયા દરમિયાન મેડિકલ સેવા માટે ઉપસ્થિત છે આવા તો હજારો સુશિક્ષિત સંતો ભકતો, તન, મન, ધનથી સમર્પિત થઈને નાનામાં નાની સેવા નિર્માનીપણે કરી રહ્યા છે. આમ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ અને પ.પૂ.મહંતસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ સૌ સંતો ભકતો અવિરતપણે સેવામાં જોડાયા છે.