ઓગસ્ટના 18 દિવસમાં 15 મિલકતો સીલ, 1618 બાકીદારોને નોટિસ: 5.54 કરોડની રિક્વરી
ટેક્સ બ્રાન્ચને આપવામાં આવેલા તોતીંગ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેક્સ બ્રાન્ચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના આરંભથી જ બાકીદારો પર ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એપ્રિલથી હાર્ડ રિક્વરીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન આવતા મહિને બાકીદારોની 30 મિલકતોની જાહેર હરાજી કરી દેવામાં આવશે. આ માટે લીસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ઓગસ્ટના પ્રથમ 18 દિવસમાં 15 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 1618 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. વેરા પેટે રૂ.5.54 કરોડની રિક્વરી થવા પામી છે.
આજે ટેક્સ બ્રાન્ચ દ્વારા જે 30 મિલકતોની આવતા મહિને જાહેર હરાજી કરવામાં આવનાર છે. તેની યાદી જાહેર કરી છે. 11 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીમાં રીઢા બાકીદારોની મિલકતોને ફૂંકી મારવામાં આવશે. જેમાં ગોંડલ રોડ, ભૂપેન્દ્ર રોડ, જવાહર રોડ, મહિલા કોલેજ ચોક, માલવીયા ચોક, ઢેબર રોડ, લીમડા ચોક, લક્ષ્મીનગર મેઇન રોડ, 150 ફૂટ રીંગ રોડ, હનુમાન મઢી ચોક, ગુરૂવંદના પાર્ક, સત્યસાંઇ હોસ્પિટલ રોડ, વાવડી રોડ, આર.કે.પાર્ક, બાપા સીતારામ ચોક, પેડક રોડ, કોઠારિયા રીંગ રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં મિલકતની જાહેર હરાજી કરવામાં આવશે. વારંવાર નોટિસ આપવા છતાં બાકીદારોએ ટેક્સ પેટે લેણી નીકળતી રકમ ભરપાઇ કરવાની તસ્દી ન લેતાં અંતે તેઓની મિલકતની નિલામી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ ટેક્સની હાર્ડ રિક્વરી ચાલુ રાખવામાં આવી હતી. જે અંતર્ગત એક પખવાડીયામાં 15 મિલકતો સીલ કરાઇ છે અને 1618 આસામીઓને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આજ સુધીમાં 3,22,101 આસામીઓએ મિલકત વેરા પેટે કોર્પોરેશનની તીજોરીમાં 228.25 કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
હપ્તા યોજનાનો લાભ લેનારાએ 30 સપ્ટેમ્બર સુધીમાં બીજો હપ્તો ભરી દેવો
વર્ષો જુનું બાકી લેણું વસૂલવા માટે કોર્પોરેશન દ્વારા વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ લેનાર બાકીદારોએ આગામી 30મી સપ્ટેમ્બર સુધીમાં બીજો હપ્તો ભરપાઇ કરવાનું રહેશે. અન્યથા તેઓને આ યોજનાનો લાભ મળશે નહિં. વેરામાં હપ્તા યોજનાની મુદ્ત ત્રણ વખત વધારવામાં આવી હોવા છતાં તેને ધાર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો ન હતો. માત્ર ગણ્યા ગાઠ્યા બાકીદારોએ જ આ યોજનાનો લાભ લીધો હતો. હવે યોજનાનો લાભ લેનાર બાકીદારે બીજો હપ્તો ભરવાનો સમય આવી ગયો છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં લાભાર્થીઓએ બીજો હપ્તો ભરી દે તે માટે ટેક્સ બ્રાન્ચ દ્વારા તાકીદ કરવામાં આવી છે.