પાકિસ્તાનમાં સોમવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. સિંધના ડહારકી વિસ્તારમાં બે પેસેન્જર ટ્રેન એકબીજાને અથડાઈ હતી. આ ઘટનામાં અંદાજે 30 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ બંને એકબીજા સાથે અથડાઈ હતી. હજી પણ ઘણા લોકો કોચમાં ફસાયેલા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
આ ઘટના ઘોટકી પાસે રેતી અને ડહારકી રેલવે સ્ટેશન પાસે વહેલી સવારે 3.45 વાગે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોઘા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. ઘટના સવારે 3.30થી 4 વાગ્યા વચ્ચે ઘટી હતી. મિલ્લત એક્સપ્રેસના કોચ બેકાબુ થઈને બીજા ટ્રેક પર પડ્યા હતા. એને કારણે સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ એને અથડાઈ ગઈ હતી. આ કારણે ટ્રેનના કોચને પણ ઘણું નુકસાન થયું છે.
બંને ટ્રેનોના 13 થી 14 કોચ પાટા પરથી ઉતારી ગયા હતા. તેમાંથી 6 થી 8નો સંપૂર્ણપણે કડુસલો બોલી ગયો હતો. તેથી જ લોકોને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી પડી હતી. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘોટકી, ડહારકી, ઓબરો અને મીરપુર મથેલોની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ડોકટરો સહિત પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો હજી પણ કોચમાં ફસાયેલા છે, તેમણે બહાર કાઢવા તે રેસ્ક્યૂ ટીમના સભ્યો અને અધિકારીઓ માટે પડકાર છે. લોકો હજી પણ ફસાયેલા છે, તેમને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં સમય લાગશે.