દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચેકીંગ સ્કવોર્ડ સાથે જીલ્લાનાં અન્ય વિસ્તારોમાં ફરજ દરમિયાન ગેર હાજર રહેલા ત્રીસ જેટલા કર્મચારીઓ ને પકડી પાડી તાકીદના ધોરણે બદલી નાખ્યા હોવાના તમામ પ્રકરણે વહીવટી કાર્યમાં ગરમી લઈ આવી દીધી છે.
ખંભાળીયા તાલુકાના વડત્રા ગામે ચેકીંગ કરવામાં આવતા ડો.બી.એ. રાવત અશિસ્ત જણાતા તેમને તાત્કાલીક પણે ભાટીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બદલવામા આવ્યા છે. આ પ્રમાણે આ ગામના ડો. ફોરમબેન ઝાલાને પણ શિક્ષાત્મક કાર્યવાહી અનુસંધાને કલ્યાણપૂરના લાંબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂકવામાં આવ્યા છે.
જયારે લાંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો. મનિષાબેન ગોજીયાને વડત્રામાં બદલી નાખવામાં આવ્યા છે. જયારે વડત્રાના ડો. જલ્પાબેન કણઝારીયાને દ્વારકાના સુરજકરાડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બદલવામાં આવ્યા છે. આ પ્રમાણે વડત્રા લાંબા ભાટીયા વગેરે ગામનો તપાસ દરમ્યાન ચાલુ ફરજે ગેર હાજર રહેનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તબીબો ટેકનીશિયનો ફર્માસિસ્ટ તથા મેલ, ફીમેલ હેલ્થ વર્કરો તથા ગાપચી મારવાનો વારસો જાળવતા વિવિધ ગામના પંદર જેટલા તલાટી કમ મંત્રીઓની પણ તાત્કાલીક પણે બદલી કરી નાખવામા આવી છે. તથા ગેર હાજર દિવસનો પગાર કાપવામાં આવેલ છે. આ પ્રમાણેના એકાએક ચેકીંગથી ફરજમાં બેદરકારી દાખવનારા ગુટલીબાઝો દોડતા થઈ ગયા છે.