રાજ્યની ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કરવા આ વર્ષે ગુજરાત વિધાનસભામાં ફી નિર્ધારણ બિલ પસાર કરવામાં આવ્યું હતું. ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કરવા ૯૦ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. જોકે આ મુદત ૨૪ ઓગસ્ટ સુધીમાં પૂરી થઈ ગઈ છે. રાજ્ય સરકારના આ બિલનો રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આશરે ૬૫ જેટલી મહત્વની શાળાઓએ આ મુદ્દે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. આમ સમગ્ર બાબત હવે કોર્ટમાં ગઈ હોવાથી રાજ્ય સરકારની ફી નિર્ધારણની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. તેથી રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ફી નિર્ધારણ કરવા માટે વધુ ૩૦ દિવસ લંબાવવામાં આવ્યા છે. હવે આગામી ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ખાનગી શાળાઓની ફી નિર્ધારણ થઈ શકશે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ ખાનગી પ્રાથમિક શાળા માટે ૧૫ હજાર, માધ્યમિક શાળા માટે ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્મયિક શાળા માટે ૨૭ હજાર રૂપિયા ફી નિર્ધારણ કરી હતી ત્યારે રાજ્યની સીબીએસસી, ઈન્ટરનેશનલ બોર્ડ અને ગુજરાત બોર્ડની શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલતી હોવાથી તેમને સરકાર દ્વારા નક્કી કરેલી ફી મંજૂર નહોંતી. આ મુદ્દે શાળાઓ કોર્ટમાં ગઈ હતી જેના કારણે સમગ્ર મામલો કાનૂની આંટીઘુંટીમાં પડ્યો હતો.
વિદ્યાર્થીઓ પાસેથી અમર્યાદિત ફી વસૂલતી શાળાઓને ફી નિયંત્રણમાં મૂકવા આ બિલ પસાર કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. જો આ શાળાઓને આ કાયદાથી બાકાત કરવામાં આવશે તો પ્રજાને કાયદાનો કોઈ લાભ નહીં મળે. તેમજ અન્ય ખાનગી શાળાઓ સાથે પક્ષપાત કર્યો ગણાશે.