એક વર્ષ સુધી સંસદ સભ્યોના પગારમાંથી ૩૦% રકમની કરાશે કપાત
સમગ્ર દેશ હાલ જે રીતે કોરોનાના કહેર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે દેશ આર્થિક મોરચે પણ એક જંગ લડી રહ્યું છે. તમામ ઉદ્યોગ ધંધા બંધ થતા લોકો પણ ખૂબ મોટી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે તેવા સમયે પ્રજાની સરકાર પાસે અપેક્ષાઓ પણ વધી છે. કોરોના સંક્રમણ સમયે પણ સંસદનું ચોમાસુ સત્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક વર્ષ સુધી સાંસદોના પગારમાંથી ૩૦% કપાત કરવાનો નિર્ણય સત્રમાં લેવામાં આવ્યો છે.
દેશ જ્યારે આર્થિક મોરચે લડી રહ્યું છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ આર્થિક ખેંચતાણ અનુભવી રહ્યા છે અને ત્યારે લોકોની સરકાર પાસે આર્થિક સહાય અંગેની અપેક્ષાઓ પણ વધી છે. તેવા સંજોગોમાં કેન્દ્રની મોદી સરકારે બને તેટલો ઓછો ખર્ચ કરીને ગરીબ વર્ગને આપવા ઇચ્છતી હોય તેવો નિર્ણય લોકસભા સત્રમાં લેવાયો છે.
મંગળવારે લોકસભાના સત્રમાં એક વર્ષ સુધી સાંસદોને પગારમાંથી ૩૦% રકમની કપાત કરવા અંગેનું વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી આપી એક વર્ષ સુધી તમામ સાંસદોના પગારમાંથી ૩૦% રકમની કપાત કરવાં અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન (સુધારણા) વટહુકમ, ૨૦૨૦ને આ વિધેયક સાથે જોડી દેવામાં આવશે. આ વટહુકમ ૬ એપ્રિલે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી અને બીજા જ દિવસે જાહેર પણ કરી દેવામાં આવી હતી. જે બાદ ગઈકાલે લોકસભા ખાતે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.