ભાવનગર, જામનગર અને અમરેલી ડિવિઝનની ટ્રીપનો પ્રારંભ: મુસાફરોને હાશકારો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉન-૪માં રાજયમાં એસટી બસો શરૂ કરાવી જન હિતમાં નિર્ણય કર્યો છે. એસટી બસની સેવા શરૂ થતાં લોકો પોતાના કામકાજના સ્થળે જઇ રહયા છે તો કેટલાક તેમના વતન જઇ પરીવારજનોને મળી રહયા છે. રાજકોટ ડેપોની ૭૨ ટ્રીપ અને રાજકોટ ડેપો ઉપરથી ઉપડતી ભાવનગર, જામનગર અને અમરેલી ડિવિઝનની ૮૦ બસોની ટ્રીપનો પ્રારંભ થઇ ચૂકયો છે. આમ લોકડાઉનને કારણે બંધ થયેલી એસ.ટી સેવા કાર્યરત થતા અનેક લોકોના ચહેરા પર ખુશીઓ આવી છે. એસ.ટીના પૈડા ગતિમાન થતાં અનેક લોકોનું જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે.
રાજકોટ ડેપો દ્વારા લોકડાઉન દરમિયાન રર રૂટ દ્વારા ૭૨ ટ્રીપ થાય છે. જે રૂટમાં પડઘરી, જામકંડોરણા, ગોંડલ, લોધિકા, જેતપુર, કોટડાસાંગાણી, ધોરાજી, જસદણ, લોધિકા, જૂનાગઢ, વિરપુર, સાવરકુંડલા, બાબરા, અમરેલી, જામનગર, ઘ્રોલ, ભાવનગર, કાલાવડ, ઉનાનો સમાવેશ થાય છે.
રાજકોટ એસ.ટી બસ ડેપોના મેનેજર સહદેવસિંહ ગોહિલે બસ સ્ટેશનની કામગીરી અંગે જણાવે છે કે, સરકારના નિયમો અનુસાર રાજકોટ જિલ્લા અને જિલ્લા બહાર પરિવહન માટે ૭૨ ટ્રીપના આયોજન સાથે એસ.ટી બસની સેવા કાર્યરત થઇ છે. સમગ્ર સૌરાષ્ટ્રની મોટાભાગના જિલ્લાઓની બસો કાર્યરત થઇ ગઇ છે. રાજકોટમાં પણ મુસાફરો માટે બસના પૈડા દોડવા લાગ્યા છે. રાજકોટનું એસટી બસ સ્ટેશન મુસાફરોથી ઉમટી પડયુ છે.
સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે મુજબ કર્મચારીઓ દ્વારા મુસાફરોને બસમાં બેસાડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી ગોહિલ કહે છે કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાશ્યિલ ડિસ્ટન્સ જાળવી મુસાફરી કરી શકે તે માટે દરેક બસમાં મર્યાદિત મુસાફરોને જ બેસાડવામાં આવી રહયા છે. બસની સેવા સુચારૂ રીતે જળવાઈ રહે અને વધુ લોકો ભેગા ન થાય તે માટે કંડકટર અને ડ્રાઈવર સહિતનો સ્ટાફ ફરજ બજાવે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે મુજબ ટિકીટ ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. ઓનલાઇન અને ઓફલાઇન બંને પધ્ધતિથી ટિકીટનું વિતરણ થઇ રહયુ છે. લોકડાઉન-૪મા આંશિક છુટછાટ બાદ ફરીથી એસ. ટી. કાર્યરત થતા સ્થળ પર ફરજ બજાવવા આવેલ કંડકટર, ડ્રાઇવર તેમજ ડેપોનો સ્ટાફ પણ માસ્ક, સેનેટાઇઝર, હાથમોજાનો ઉપયોગ કરે છે.