બે યુવાનના ઘટનાસ્થળે મોત: એક યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો
અંજાર તાલુકાના સિનુગ્રા ગામ નજીક ગત મધરાત્રે સર્જાયેલાં હિટ એન્ડ રનનાં બનાવમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતાં નવયુવાનોને અડફેટે લેતાં ત્રણ યુવકોના મોત નીપજ્યાં છે.જેમાં એક યુવકનું મોત તબીબી બેદરકારીના કારણે થતા પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મરણ જનાર ત્રણેય યુવકો સિનુગ્રા ગામના મહેશ્વરી સમાજનાં હતા.
અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર સિનુગ્રાના વીરેન્દ્ર ઊર્ફે વિનોદ નાનજી મહેશ્વરી (ઉ.વ.૨૪), નીતિન મહેશ્વરી (ઉ.વ.અંદાજે ૧૮) અને અશ્વિન મહેશ્વરી (ઉ.વ.૧૮) ત્રણેય જણાં મોટર સાયકલ પર મધરાત્રે સવા બાર વાગ્યાના અરસામાં ગામની નજીક હાઈવે હોટેલ પર ચા પીવા જતા હતા.
તે સમયે અંજાર-મુંદરા હાઈવે પર ચાંપલ માતાના મંદિર નજીક અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળે જ નીતિન અને અશ્વિનના મોત નીપજ્યાં હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં વીરેન્દ્રને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. વીરેન્દ્રએ પણ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.અંજારની રેફરલ હોસ્પિટલમાં તબીબોની ઘટથી સારવાર ન મળતા વીરેન્દ્રનું મોત થયું છે.
ત્યારે પરિવારજનોએ લાશ સ્વિકારવા ઈન્કાર કર્યો છે. દુર્ઘટના અંગે જાણ થતાં સિનુગ્રા સહિત આસપાસના ગામનાં મહેશ્વરી સમાજનાં લોકો હોસ્પિટલે દોડી ગયાં હતા.રેફરલ હોસ્પિટલમાં પચાસ ટકાથી વધુ તબીબો અને સ્ટાફની ઘટ છે. જ્યાં સુધી તબીબોની ઘટ પૂરવા લેખીત બાંહેધરી ના મળે ત્યાં સુધી વીરેન્દ્ર સહિત ત્રણેય યુવકોની લાશને નહીં સ્વિકારવાનો મહેશ્વરી સમાજે રોષભેર નિર્ણય કર્યો છે. જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત અહીં ખડકી દેવાયો છે.